અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસક્રમને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો તે વિવાદ અત્યારે વધુ ઉગ્ર બન્યો છે. આ અભ્યાસક્રમમાં હિંદુ ધર્મને નીચો બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે આ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થી વસંત ભટ્ટે આ અભ્યાસક્રમ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. યુનિવર્સિટીએ કહ્યું છે કે તે વિદ્યાર્થી વસંત ભટ્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની સમીક્ષા કરી રહી છે.
અભ્યાસક્રમનો ઉલ્લેખ કરતા વસંત ભટ્ટે કહ્યું કે, આ અભ્યાસક્રમમાં હિન્દુત્વને ઇસ્લામ વિરુદ્ધ ઉપયોગમાં લેવા માટેના હથિયાર તરીકે વર્ણવવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વસંત ભટ્ટે આ અભ્યાસક્રમ અંગે કહ્યું કે, આ અભ્યાસક્રમમાં લખવામાં આવ્યું છે કે, ‘હિન્દુત્વ અથવા હિંદુ ધર્મ એ એક એવો શબ્દ છે જેનો ઉપયોગ હિન્દુ રાષ્ટ્રવાદીઓ તેમના ધર્મનું વર્ણન કરવા અને અન્ય લોકો, ખાસ કરીને ઇસ્લામને બદનામ કરવા માટે કરે છે. આ લોકો માને છે કે હિંદુ ધર્મ ભારતનો સત્તાવાર ધર્મ હોવો જોઈએ.’ પ્રશ્ન એ પણ થાય છે કે, હ્યુસ્ટન યુનિવર્સિટીએ પોતાનો અભ્યાસક્રમ કયા ગ્રંથોને આધારે લખ્યો છે? હિંદુ ધર્મ કે હિન્દુત્વ ઇસ્લામને બદનામ કરવા માટે છે એવું કયા લખેલું છે? કે જેનો સંદર્ભ લઈને હ્યુસ્ટન યુનિવર્સિટીએ પોતાનો અભ્સાસક્રમ બનાવ્યો છે?
વસંત ભટ્ટે કોલેજ ઓફ લિબરલ આર્ટ્સ એન્ડ સોશિયલ સાયન્સના ડીન સમક્ષ ફરિયાદ નોંધાવી છે. હ્યુસ્ટન યુનિવર્સિટીનો “લિવ્ડ હિન્દુ રિલિજિયન” અભ્યાસક્રમ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ઉપલબ્ધ છે, જેમાં પ્રોફેસર એરોન માઈકલ ઉલેરી દ્વારા સાપ્તાહિક વીડિયો લેક્ચર આપવામાં આવે છે. આ વીડિયો લેક્ચરમાં હિંદુ ધર્મને ખરાબ રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે, જેને લઈને વસંત ભટ્ટે અભ્યાક્રમ અંગે વિરોધ નોંધાવ્યો છે.
