પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં ચાઇનીઝ લસણ સામે 2014થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ગેરકાયદે રીતે આવતા આ વિદેશી ચલણ સામે ગુજરાતના વેપારીઓએ મંગળવારે ઉગ્ર વિરોધ ચાલુ કર્યો હતો. બજારમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણના ગેરકાયદે સપ્લાયના વિરોધમાં મંગળવારે ગુજરાતના રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કોઓપરેટિવ (એપીએમસી) ખાતે વેપારીઓએ હરાજી અટકાવી દીધી હતી અને આખો દિવસ વિરોધ પ્રદર્શન કર્યાં હતા.

અગાઉ ગોંડલ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કોઓપરેટિવ (ગોંડલ-એપીએમસી) ખાતે એક વેપારી 750 કિલો ચાઈનીઝ લસણ લઈને માર્કેટયાર્ડમાં પહોંચ્યો હતો. આ પછી આ મુદ્દે વિવાદ ઊભો થયો હતો સૌરાષ્ટ્રના યાર્ડના વેપારીઓએ મંગળવારે બંધ પાડવાની જાહેરાત કરી હતી.

રાજકોટ યાર્ડના વેપારી એસોસિએશને ગોંડલમાં મોટા કન્ટેનર મારફત લસણ ચીનથી ઠલવાયું હોવાની શક્યતા દર્શાવી હતી અને આ મુદ્દે ઉંડી તપાસ કરવાની માંગ સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની હરાજી બંધ રાખીને વિરોધ કરવાનું એલાન અપાયું હતું.રાજકોટ માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું કે 10 સપ્ટેમ્બરે લસણના વેપારીઓ ધંધાથી અળગા રહેશે.

સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવશે. ચીનથી જે લસણ આવી રહ્યું છે તેને વાયા અફઘાનિસ્તાન થઇને ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે. તે ખાવાલાયક નથી હોતું અને વાયરસ વાળું પણ હોય છે. ત્યાંથી સસ્તા ભાવે લસણની ખરીદી કરીને ભારતમાં મોંઘા ભાવે વેચવામાં આવે છે.

ઉપલેટાના ગોડાઉનમાં પણ ચાઈનીઝ લસણ પકડાયાની અટકળો ચાલુ થઈ હતી. વેપારીઓને શંકા છે કે ભારતના પ્રતિબંધને અવગણીને ચીને વાયા અન્ય દેશથી ભારતમાં ટનબંધ લસણ ઠાલવી દીધું છે.

રાજકોટ યાર્ડ કમિશન એજન્ટ એસો.એ જણાવ્યા મૂજબ ચીનનું લસણ મોટા કદનું હોય છે પરંતુ, તેનો સ્વાદ અને ગુણવત્તા નબળા છે તેથી ભારતના લસણની વિશ્વભરમાં માંગ રહે છે. ચીનથી વાયા અફઘાનિસ્તાન ભારતમાં આ લસણ ડમ્પ કરાયાની આશંકા છે.

 

LEAVE A REPLY