અમેરિકામાં ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશ (એફબીઆઇ)ના વર્તમાન ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ જાન્યુઆરીમાં રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ સાથે આ પદ પર ડોનાલ્ડ ટ્રમ્પની નજીકના માનવામાં આવતા ઇન્ડિયન અમેરિકન કાશ પટેલની સરળ રીતે નિમણૂક થઇ શકશે. ટ્રમ્પે રેની જાહેરાતનું સ્વાગત કર્યું છે.
રેએ તાજેતરમાં એફબીઆઇના સાથીઓને જણાવ્યું હતું કે, “ઘણાં સપ્તાહના વિચાર પછી મેં જાન્યુઆરીમાં વર્તમાન સરકારનો કાર્યકાળ પૂરો થયા પછી હોદ્દો છોડવાનો નિર્ણય કર્યો છે.” પ્રેસિડેન્ટ તરીકે ફરીથી ચૂંટાયા પછી ટ્રમ્પે ૩૦ નવેમ્બરે કાશ પટેલની એફબીઆઇના નવા ડાયરેક્ટર તરીકે પસંદગી કરી હતી. આ સાથે રેનો કાર્યકાળ ત્રણ વર્ષ ઘટી ગયો છે. રસપ્રદ વાત એ છે કે, 2017માં ટ્રમ્પે જ પ્રથમ કાર્યકાળમાં રેની નિમણૂક કરી હતી. રેએ જણાવ્યું હતું કે, “મારો લક્ષ્યાંક મિશન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો. મારા મતે આપણે જે રીતે કામ કરીએ છીએ તેમાં મૂલ્યો અને સિદ્ધાંતોની જાળવણી બહુ મહત્વની છે. આ કામ મારા માટે સરળ ન હતું. જોકે, હું મારા મિશનને ચાહું છું. હું અમેરિકાના લોકોને પણ પ્રેમ કરું છુ. જોકે, મારું ધ્યાન હંમેશા એફબીઆઇ માટે યોગ્ય પગલાં લેવાનું રહ્યું છે. હું મારો નિર્ણય જાહેર કરું એ પહેલાં તમને તેની જાણ કરવી મહત્વની હતી.”
ટ્રમ્પે રેના નિર્ણયને આવકારીને કહ્યું હતું કે, “અમેરિકા માટે આ બહુ સારો દિવસ છે. તે યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ ઇનજસ્ટિસ તરીકે ઓળખાતા સશસ્ત્રીકરણનો દોર પૂરો કરશે.” છેલ્લા કેટલાક વર્ષમાં રે ટ્રમ્પના માનીતા રહ્યા ન હતા. એફબીઆઇ દ્વારા ટ્રમ્પ અંગેની વિવિધ દસ્તાવજો સંબંધી તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, “તેમણે ઘણા નિર્દોષ અમેરિકન્સને ડરાવવા તેમની સત્તાનો ઉપયોગ કર્યો છે.”