(ANI Photo)

ભારતના આર્થિક સુધારાના જનક અને બે વખતના વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવાર,26 ડિસેમ્બરની રાત્રે વય-સંબંધિત બિમારીને કારણે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)માં નિધન થયું હતું. તેઓ 92 વર્ષનાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તથા તમામ રાજકીય પક્ષોના નેતાઓએ તેમના નિધન પર દુઃખ અને શોક વ્યક્ત કર્યો હતો.

એઇમ્સએ જણાવ્યું હતું કે ઘેરા શોક સાથે અમે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધનની જાણ કરીએ છીએ. તેમની વય-સંબંધિત બિમારીઓ માટે સારવાર ચાલુ હતી. 26 ડિસેમ્બર 2024ના રોજ ઘરે અચાનક બેભાન થઈ ગયા હતાં અને તાત્કાલિક એઇમ્સમાં લાવવામાં આવ્યાં હતા અને તમામ પ્રયાસો કરવા છતાં તેમને બચાવી શકાયા ન હતાં.

મનમોહન સિંહ 2004થી 2014 સુધી કોંગ્રેસની આગેવાની હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારમાં બે ટર્મ માટે વડાપ્રધાન હતાં. જોકે મનમોહન સિંહનું સૌથી વધુ યાદગાર યોગદાન 1991માં તત્કાલિકન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ હેઠળના નાણાપ્રધાન તરીકેનું હતું. નાણાપ્રધાન તરીકે તેમણે ભારતમાં ધરમૂળથી આર્થિક સુધારા કરીને દેશને નાદારીના જોખમથી બચાવી લીધો હતો. બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટીને કારણે દેશ નાદારીના આરે હતા અને અર્થતંત્રનું ભાવિ તદ્દન અનિશ્ચિત હતું. જોકે ડૉ. મનમોહન સિંહે દૂરંદેશી આર્થિક સુધારા કરીને રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું. વેપાર અવરોધો દૂર કર્યા હતા તથા FDI અથવા સીધા વિદેશી રોકાણને પ્રોત્સાહન આપ્યું હતું. આનાથી ભારતે નવી આર્થિક દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

દેશમાં દાયકાઓથી વ્યાપાર વૃદ્ધિનું ગળું દબાવી રાખનારા લાયસન્સ રાજને ખતમ કર્યું હતું. તેનાથી ખાનગીકરણ, અંકુશ મુક્તિ અને વૈશ્વિક અર્થતંત્ર સાથે વધુ એકીકરણના યુગની પ્રારંભ થયો હતો. તેમના આર્થિક સુધારાને કારણ ભારત એક બંધિયાર અર્થતંત્રમાંથી બહાર આવ્યું હતું અને ભારત વિશ્વમાં સૌથી ઝડપથી આર્થિક વૃદ્ધિ હાંસલ કરતાં દેશ બન્યો હતો. ડૉ. મનમોહન સિંહના આર્થિક સુધારાઓએ પછીના દાયકાઓમાં વિશ્વમાં ભારતનો એક આર્થિક તાકાત બનવાનું પાયો નાંખ્યો હતો.

મનમોહન સિંહ 2004થી 2014 સુધીના દસ વર્ષ દેશના વડાપ્રધાન હતાં. આ દરમિયાન દેશે એકતરફ નોંધપાત્ર આર્થિક વૃદ્ધિ નોંધાવી હતી, તો બીજી તરફ અનેક ગંભીર પડકારો આવ્યાં હતા. તેઓ તેને સરેરાશ 8 ટકા જીડીપી વૃદ્ધિદર તરફ દોરી ગયા હતાં.

તેમણે ગ્રામીણ ગરીબી અને બેરોજગારીની સમસ્યાને દૂર કરવા માટે NREGA, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી ધારો સહિત ઘણા મહત્વાકાંક્ષી કાર્યક્રમો શરૂ કર્યા હતાં. સામાજિક કલ્યાણ કાર્યક્રમો માટેની તેમની પહેલોએ લાખો ભારતીયો અને ખાસ કરીને સમાજના ગરીબ અને દલિત વર્ગના જીવનમાં પરિવર્તન આવ્યું હતું. વધુમાં તેમના સમયગાળામાં ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અદભૂત વિકાસ થયો હતો. રસ્તાઓ, ટેલિકોમ નેટવર્ક્સ અને વીજ ઉત્પાદન ક્ષમતામાં સુધારો થયો હતો.

વડાપ્રધાન તરીકે તેમના નેતૃત્વની વ્યાપક ટીકાઓ પણ થઈ હતી. પીએમ તરીકે તેમના બીજા કાર્યક્રમમાં દેશમાં અનેક કૌભાંડો બહાર આવતા તેમની સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ હતી. પોલિસી પેરાલિસિસની વ્યાપક ટીકાઓ થઈ હતી. સંખ્યાબંધ મોટા કૌભાંડ બહાર આવ્યા હોવા છતાં તેમની વ્યક્તિગત પ્રામાણિકતા સામે ક્યારેય સવાલો ઊભા થયા ન હતા. તેઓ તેમની નમ્રતા, પ્રામાણિકતા અને સાદગી માટે જાણીતા બન્યાં હતા.

LEAVE A REPLY