પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિદેશથી આવતા પ્રી-વેરિફાઈડ ભારતીય નાગરિકો અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડધારકો માટે ઈમિગ્રેશન પ્રક્રિયાને ફાસ્ટ ટ્રેક પર મૂકતા પ્રોગ્રામનો હવે ટૂંક સમયમાં અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને દેશના અન્ય ત્રણ મોટા એરપોર્ટ પર અમલ કરાશે. સૌપ્રથમ 22 જૂને દિલ્હીના IGI એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન-ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ (FTI-TTP) શરૂ કરાયો હતો.

આ પ્રોગ્રામથી મુસાફરોને ઝડપી, પરેશાની રહિત અને સુખદ મુસાફરીનો અનુભવ થશે. આ ઉપરાંત બિઝી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભીડમાં ઘટાડો થવાની અને ઇમિગ્રેશન ક્લિયરન્સની લાંબી લાઇનમાં ઘટાડો થવાની અપેક્ષા છે.

આ પ્રોગ્રામ હેઠળ ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન સેવાનો લાભ લેવા માટે અત્યાર સુધીમાં 18,400 લોકોએ (ભારતીય અને OCI કાર્ડ ધારકો) રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચીન અને અમદાવાદમાં FTI-TTP શરૂ કરવાની તૈયારીઓ ચાલે છે.દિલ્હીમાં અત્યાર સુધીમાં 1,500 મુસાફરોને ઈ-ગેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. FTI-TTPનો ઉદ્દેશ્ય ઝડપી, સરળ અને વધુ સુરક્ષિત ઇમિગ્રેશન ક્લિયરન્સ સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરીને સરળ બનાવવાનો છે. પ્રારંભિક તબક્કામાં, તે ભારતીય નાગરિકો અને OCI કાર્ડ ધારકો માટે નિશુલ્ક ધોરણે શરૂ કરાયો છે.
ભારતનો આ ઇમિગ્રેશન પ્રોગ્રામ અમેરિકાના ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ જેવો જ છે, જેમાં પસંદગીના એરપોર્ટ્સ પર અમેરિકામાં આગમન પર પૂર્વ-મંજૂર, ઓછા જોખમવાળા પ્રવાસીઓ માટે ઝડપી ક્લિયરન્સ મળે છે. FTI-TTP આખરે દેશના 21 મોટા એરપોર્ટ પર શરૂ કરાશે.

પાત્રતા ધરાવતા વ્યક્તિઓએ ઓનલાઈન અરજી કરવાની અને અરજી ફોર્મમાં ઉલ્લેખિત અન્ય જરૂરી માહિતી સાથે તેમના બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ અને ફેસિયલ ઇમેજ) સબમિટ કરવાની રહેશે. મંજૂર થયેલી અરજીઓને તેમની બાયોમેટ્રિક્સ વિગતો પ્રદાન કરવાની એપોઇન્ટમેન્ટ એક મેસેજ મળશે. આ એપોઇન્ટમેન્ટ મુજબ અરજદારો તેમની બાયોમેટ્રિક્સ વિગતો ભારતમાં નિયુક્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અથવા નજીકની ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) પર આપી શકશે. અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે બાયોમેટ્રિક્સ ફરજિયાત છે. FTI રજિસ્ટ્રેશન મહત્તમ પાંચ વર્ષ માટે અથવા પાસપોર્ટની માન્યતા સુધી માન્ય રહેશે.

LEAVE A REPLY