સાબરકાંઠા જિલ્લામાં સોમવાર, 29 જુલાઇએ પૂરગ્રસ્ત હમીરગઢ અંડરપાસ પર બસ ફસાઈ જતાં લોકોએ મુસાફરોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. (PTI Photo)

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પછી સોમવાર, 29 જુલાઇએ આખરે ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં મેઘસવારી આવી પહોંચી હતી. રાજ્યના કુલ 252માંથી 203 તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને 100 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થતાં ચોમાસાએ સમગ્ર ગુજરાતને આવરી લેતા ખેડૂતો ખુશખુશાલ થયાં હતાં. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં સૌથી વધુ 165 મીમી વરસાદ નોંધાતા ઠેરઠેર પાણી ભરાયા હતાં.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના ડેટા મુજબ પ્રાંતિજ પછી મહેસાણા જિલ્લાના વિસનગર 154 મીમી અને મહેસાણા તાલુકા 141 મીમી, મહીસાગરના લુણાવાડા તાલુકા 126 મીમી, મહેસાણાના વિજાપુર 123 મીમી, બનાસકાંઠાના વડગામ 122 મીમી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે (IMD)એ જણાવ્યું હતું કે  ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને તેની નજીકના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

23 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતાં. તેમાં પ્રાંતિજ, વિસનગર, મહેસાણા, વિજાપુર, લુણાવાડા, વડગામ, હિંમતનગર, તલોદ, મોડાસા, જોટાણા, માણસા, મેહરાજ, વડનગર, ઊંઝા, સાંતલપુર, બેચરાજી કપરાડા, પાલનપુર, ખાનપુર, બાયડ, ભિલોડા, સંતરામપુર, વડોદરા વગેરે તાલુકાનો સમાવેશ થાય છે.

અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ ચાલુ થયો હતો. અમદાવાદમાં એકથી બે ઇંચ વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા.

ટુંક સમયમાં પડેલા ભારે વરસાદથી હિંમતનગરમાં પાણી ભરાયા હતા. હમીરગઢ ગામમાં રેલ્વે અંડરપાસ પરથી પસાર થતી વખતે સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. સદનસીબે, બસમાં કોઈ મુસાફરો નહોતા, અને ડ્રાઈવર અને કંડક્ટર બસની ઉપર ચઢી ગયા હતા, ત્યારબાદ સ્થાનિક લોકોએ દોરડાની મદદથી તેમને બચાવી લીધા હતા. પાણીનું સ્તર એટલું હતું કે બસની માત્ર છત જ દેખાતી હતી.

મહેસાણામાં ગોપીનાળા અંડરપાસમાં ફસાયેલા 13 લોકોને બચાવી લેવાયા હતાં. આ લોકો ટ્રેક્ટરમાં અંડરપાસ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાણી ભરાયેલા વિસ્તારમાં વાહન ભરાઈ જતાં તેઓ ફસાઈ ગયા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતાં.

રાજ્યમાં ગયા સપ્તાહે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વ્યાપક વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને વડોદરા સહિતના મધ્ય ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. રાજ્યમાં 28 જુલાઇ સુધીમાં સીઝનનો આશરે 55 ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોમાં ભારે વરસાદને કારણે વરસાદની ઘટ ધરાવતા જિલ્લાની સંખ્યા સાત દિવસમાં 16થી ઘટીને 11 થઈ હતી. ખાસ કરીને હજુ પણ ઉત્તર અને પૂર્વ ગુજરાતના જિલ્લામાં વરસાદની ખાધ છે.

 

LEAVE A REPLY