બોલીવૂડમાં એક સમયે કલાકારો પાસે માત્ર બે જ વિકલ્પ હતા- થીયેટર અને ફિલ્મો. પછી તેમાં ટીવી સીરિયલનો જમાનો આવ્યો. હવે આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં કલાકારો પાસે વેબ સીરિઝ અને પોડકાસ્ટમાં પણ કામ કરવાની ઘણી તકો છે. હવે તો જાણીતા કલાકારો પણ પોડકાસ્ટમાં કામ કરવાની સ્વીકારી રહ્યા છે. એટલે સેલિબ્રિટી પોડકાસ્ટસ ચર્ચામાં દરેક કલાકાર પાસે પોડકાસ્ટમાં કામ કરવાની પસંદગી માટે એક કારણ છે. કેટલાક કલાકારોએ પોતાના પોડકાસ્ટ શરૂ કર્યા છે, તેઓ આ વિશે શું અભિપ્રાય ધરાવે છે તે અહીં રજૂ કરવામાં આવ્યા છે.
રુબિના દિલૈક
મૂળ ટીવી અભિનેત્રી રુબિના દિલૈકે હવે આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. તે છોટી બહુમાં રાધિકા, શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કીમાં સૌમ્યા તરીકે જાણીતી બની હતી. આ ઉપરાંત તે રીયાલિટી શો બિગ બોસ-14માં વિજેતા બની હતી. તે કહે છે કે, હું જ્યારે ગર્ભવતી હતી ત્યારે મેં મારું પોડકાસ્ટ ‘અનફિલ્ટર્ડ વિથ રુબિના દિલૈક’ શરૂ કર્યું હતું. એ માટે એક કારણ હતું. હકીકતમાં મને પ્રેગ્નન્સીની સમસ્યાઓ અને બીજી અડચણોના ઉકેલ વિશે કોઈ માહિતી નહોતી. હેડકી આવવા જેવી સામાન્ય સમસ્યા માટે ગાયનેક અથવા ન્યુટ્રીશ્યનિસ્ટને ફોન કરવાનું મને યોગ્ય નહોતું લાગતું. એટલે મને એક એવા પ્લેટફોર્મનો વિચાર આવ્યો, જ્યાં પ્રેગ્નન્સી અને પેરેન્ટિંગ વિશે મારી જેવી સગર્ભા સ્ત્રીઓને તમામ માહિતી મળી રહે. પછી તેમાં જ હું આગળી વધતી રહી.
રોહિત બોઝ રોય
ટીવી સીરિયલ્સનો જાણીતો ચહેરો રોહિત રોય બોઝે પણ પોડકાસ્ટની નવી કારકિર્દી સ્વીકારી છે. તેણે સ્ટાર પ્લસ પરની દેશમેં નિકલા હોગા ચાંદ અને દૂરદર્શન પર સ્વાભિમાન જેવી અનેક સીરિયલ્સ અને યાદગાર ફિલ્મોમાં અભિનય આપ્યો છે. તે તેના નવા સાહસ અંગે કહે છે કે, સાચું કહું તો મારી અન્ય એકટરો સાથે તેલની ઘાણી જેવો એકને એક પ્રકારનો પોડકાસ્ટ કરવાની કોઈ ઈચ્છા નહોતી. મને લોકો સાથે ગપસપ કરવી ગમે છે, જીવનમાં હું એ જ કરતો આવ્યો છું. બીજં, હું પોડકાસ્ટને આવકના સાધન તરીકે નથી જોતો. એટલે મને ફિટનેસ વિશે પોડકાસ્ટ કરવાનો ચાન્સ મળ્યો ત્યારે હું તરત એ માટે તૈયાર થઈ ગયો. મારા શો ‘અનસ્ટોપેબલ’માં અમે માત્ર કલાકારો સાથે જ નહિ પણ બિઝનેસ પર્સન્સ અને આધ્યાત્મિક ગુરુઓ સાથે પણ સંવાદ કરીએ છીએ. અમે વર્કઆઉટસ, ન્યુટ્રિશન, ફિટનેસ અને મેન્ટલ હેલ્થ- બધા વિશે ચર્ચા કરતા હોઈએ છીએ. હું મારા અનુભવો પણ લોકોને જણાવું છું એમને મેસેજ આપવા માગતો હતો કે તમારામાંની દરેક વ્યક્તિ અનસ્ટોપેબલ છે. મહેનતું વ્યક્તિ માટે જીવન ક્યારેય થંભી જતું નથી.
શક્તિ અરોરા
શક્તિ અરોરા પણ ટીવી અભિનેતા છે. તેણે 2006માં ટીવી શોમાં પદાર્પણ કરીને પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેણે શશશ..ફિર કોઇ હૈ અને પછી સોની સબની લેફ્ટ રાઇટ લેફ્ટ સીરિયલમાં કામ કરીને આગળ વધ્યો હતો. ત્યારપછી સ્ટાર પ્લસના દિલ મિલ ગયે અને 2009માં બા, બહુ ઔર બેબી શોમાં જિગર ઠક્કરની ભૂમિકા ભજવી હતી.
તે આ પોડકાસ્ટ અંગે કહે છે કે, મેં આ કામ કરવાનું એટલા માટે નક્કી કર્યું કે મને સ્ટોરી ટેલિંગ ખૂબ ગમે છે. પોડકાસ્ટિંગને લીધે મને કેટલાક અદભુત વ્યક્તિઓને મળવાનો અને તેમની ગાથા જગતને જણાવવાનો મોકો મળ્યો. મારા પોડકાસ્ટ- ધ શક્તિ અરોરા શોની મુખ્ય બાબત તેની વિશ્વસનીયતા છે. અમે લોકોની વાતોમાં ઉંડા ઉતરી એમની હકીકતો જાણીએ અને જણાવીએ છીએ. એમની સ્ટોરીઝ ખુશીથી માણીએ છીએ. હું પોડકાસ્ટના મહેમાનને અગાઉથી લખી રાખેલા પ્રશ્નો નથી કરતો અને એમની વાતોનું ખોટું દંભી વિશ્લેષણ ક્યારેય કરતો નથી. ફક્ત હકીકતની જ ચર્ચા કરવાની, જેથી શ્રોતાને એવો અહેસાસ થાય જાણે એ પોતાના કોઈ જૂના મિત્રની વાત સાંભળી રહ્યા છીએ.
દેબીના બોનરજી
હિન્દી સીરિયલના જગતમાં દેબીના બેનરજીનું નામ ખૂબ જાણીતું છે. તેણે રામાયણ સીરિયલમાં સીતાની, ચિડિયા ઘરમાં મયુરી નારાયણ અને સંતોષી મા ટીવી શોમાં પૌલોમીની યાદગાર ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેમણે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે પોડકાસ્ટ વિશે જણાવે છે કે, આ પોડકાસ્ટસનો જમાનો છે એમ કહીએ તો ખોટું નથી. આજે ઘણા બધા લોકો મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આ લોકો જ્યારે પોડકાસ્ટ દ્વારા જાણે છે કે, બીજા ઘણાં લોકો આવી જ પરિસ્થિતિ અનુભવી રહ્યા છે ત્યારે તેમને એવું લાગે છે કે, આ મુશ્કેલીમાં આપણે એકલા નથી, આપણી જેવા બીજા ઘણાં લોકો પણ છે. મારા પોડકાસ્ટ ‘ધ દેબીના બોનરજી શો’નો યુએસપી છે-બિઈંગ રીઅલ. જે દેખાય છે તે જણાવો. આ ઉપરાંત હું સેલિબ્રિટીઝ સિવાયના બીજા લોકો પ્રેરણારૂપ બને એવી વ્યક્તિઓના પણ ઈન્ટરવ્યુ કરી એમની સંઘર્ષ ગાથાઓ જાણું છું અને તેના કારણે દર્શકોને બધું વાસ્તવિક લાગે છે.
