બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ દેશમાં સકારાત્મક યોગદાન (સેવા કાર્યો) કરવા માટે નવા વર્ષમાં નવી અંગત ઓફિસ શરુ કરવા માટે ચર્ચા કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે, એવું યુકેના એક મીડિયા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
‘ધ ટાઈમ્સ’ અખબારના રીપોર્ટ મુજબ 44 વર્ષીય સુનક દંપતી અંદાજે 500 મિલિયન પાઉન્ડની સંયુક્ત સંપત્તિ ધરાવે છે, તેઓ કથિત “ઓફિસ ઓફ અક્ષતા મૂર્તિ એન્ડ ઋષિ સુનક” માટે ભંડોળ આપશે. જ્યારે આ દંપતી હજુ પણ નવા પ્રોજેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વિચારે છે ત્યારે તેઓ શિક્ષણના ક્ષેત્રમાં ઉત્સાહી હોવાનું કહેવાય છે.
અખબારી રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, “ઋષિ સુનક અને તેમનાં પત્ની, અક્ષતા મૂર્તિ, બ્રિટનમાં સકારાત્મક યોગદાન આપશે તેવા પ્રોજેક્ટને આગળ વધારવા માટે આવતા વર્ષે એક ઓફિસ શરૂ કરવા અંગે મંત્રણા કરી રહ્યા છે.” ભૂતપૂર્વ વડાપ્રધાન સુનક પોતાનું પદ છોડ્યા પછી જેના હકદાર છે, તે 1,15,000 પાઉન્ડનું વાર્ષિક ભથ્થાને ન લેવાનું પસંદ કર્યું છે. તેમને પીઆર ફર્મ- કોલસન પાર્ટનર્સ દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે, જેની સ્થાપના એન્ડી કૌલ્સને કરી છે, જે સુનકના ભૂતપૂર્વ સલાહકાર છે અને અખબારના તંત્રી છે.” ગત જુલાઈમાં ચૂંટણીમાં મોટી હારને કારણે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપનાર સુનક હવે યોર્કશાયરમાં રિચમન્ડ અને નોર્થોલર્ટનના સંસદના બેકબેન્ચ સભ્ય છે.