NTB/Javad Parsa/via REUTERS

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કી વૈશ્વિક મીડિયાની હાજરીમાં એકબીજા સામે બાખડ્યા પછી યુરોપ અને વિશ્વના બીજા ઘણા નેતાઓ યુક્રેનના વડાના સમર્થનમાં ઉતર્યા હતાં. બીજી તરફ વ્હાઇટ હાઉસે ટ્રમ્પના ‘અમેરિકન ફર્સ્ટ સ્ટ્રેન્થ’ને જોરદાર સમર્થન આપ્યું હતું. ઝેલેન્સ્કીને યુરોપના નેતાનું સમર્થન યુક્રેન મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે ઊંડા મતભેદનો સંકેત આપે છે.

બીજી તરફ વ્હાઉસ હાઉસે એક નિવેદન જારી કરીને પ્રેસિડન્ટ ટ્રમ્પ અને વેન્સને સમર્થન આપ્યું હતું. આ નિવેદનમાં સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોઈમ સહિત અનેક સાંસદોના નિવેદનો હતાં. રૂબિયાઓ જણાવ્યું હતું કે અગાઉ ક્યારે કોઇ પ્રેસિડન્ટ આવી હિંમત કરી શક્યા નથી.

વૈશ્વિક મીડિયાની હાજરીમાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કી આશરે 20 મિનિટ સુધી બાખડ્યા હતા. ટ્રમ્પે ઝેલેન્સકીને જણાવ્યું હતું કે “તમે લાખો લોકોના જીવન સાથે ખેલ ખેલી રહ્યા છો. તમે ત્રીજા વિશ્વ યુદ્ધ સાથે જુગાર રમી રહ્યા છો. તમે જે કરી રહ્યા છો તે દેશ માટે ખૂબ જ અપમાનજનક છે

ટ્રમ્પ અને વાઇસ પ્રેસિડન્ટ જેડી વેન્સ સાથે ઓવલ ઓફિસમાં આક્રમક ચર્ચા પછી ઝેલેન્સ્કીએ શુક્રવારે વ્હાઉટ હાઉસ છોડ્યું હતું. બંને પ્રેસિડન્ટ વચ્ચેના અભૂતપૂર્વ ઝઘડા પછી યુરોપિયન સાથી દેશો અને વિશ્વના બીજા દેશોના નેતાઓ ઝેલેન્સ્કીને એક્સ પર મેસેજ કરીને સમર્થન આપ્યું હતું. ઝેલેન્સ્કીએ પણ તમામ મેસેજના જવાબમાં લખ્યું હતું કે તમારા સમર્થન બદલ આભાર.

શુક્રવારે ભારતની સત્તાવાર મુલાકાતે રહેલા યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને એક્સ પર લખ્યું હતું કે તમારું ગૌરવ યુક્રેનિયન લોકોની બહાદુરીનું સન્માન કરે છે. બળવાન બનો, બહાદુર બનો, નિર્ભય બનો. તમે ક્યારેય એકલા નથી. હજુ ગયા સોમવારે જ ટ્રમ્પ સાથે બેઠક કરનારા ફ્રાન્સ પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન જણાવ્યું હતું કે રશિયા આક્રમણ કરનાર દેશ છે અને યુક્રેન તેનો ભોગ બન્યું છે. ત્રણ વર્ષ પહેલા યુક્રેનને મદદ કરવાનો અને રશિયા પર પ્રતિબંધ મૂકવાનો અમારો નિર્ણય સાચો હતો અને આવા પગલાં ચાલુ રહેશે.

ટ્રમ્પના ગાઢ સાથીદાર ગણાવતા ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની જણાવ્યું હતું કે તેઓ મુત્સદ્દીગીરીને પાટા પર લાવવા માટે EU-US સમિટ માટે બોલાવશે. જર્મનીના સંભવિત ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે X પર ઝેલેન્સ્કીને સંબોધીને લખ્યું હતું કે અમે કસોટીના સમયમાં યુક્રેનની સાથે ઊભા છીએ.કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે રશિયાએ ગેરકાયદેસર અને ગેરવાજબી રીતે યુક્રેન પર આક્રમણ કર્યું હતું. કેનેડા ન્યાયી અને સ્થાયી શાંતિ હાંસલ કરવા માટે યુક્રેન સાથે ઊભા રહેવાનું ચાલુ રાખશે. ફિનલેન્ડના વડા પ્રધાન પેટેરી ઓર્પોએ કહ્યું કે તેઓ અને ફિનિશ લોકો યુક્રેનની સાથે મજબૂતીથી ઉભા છે.

LEAVE A REPLY