અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપની સ્ટીલ અને એલ્યુમિનિયમના તમામ ઉત્પાદનો પર ટેરિફ વધારીને 25 ટકા કર્યાના ગણતરીના કલાકોમાં જ યુરોપિયન યુનિયને પણ વળતો પ્રહાર કરીને અમેરિકાની ઔદ્યોગિક અને કૃષિ પેદાશો પર અંદાજે 28 બિલિયન ડોલરના નવા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આથી હવે અમેરિકાનું ચીન, કેનેડા અને મેક્સિકો પછી યુરોપ સાથે પણ ટેરિફવોર શરૂ થયું છે.
યુરોપને અગાઉથી અમેરિકાની આવા ટેરિફનું અનુમાન હતું. અમેરિકાના આ નવા પગલાંથી યુરોપ સાથેના સંબંધો વધુ ખરાબ થયા છે. યુરોપે અગાઉ જણાવ્યું હતું કે તે ભવિષ્યમાં તેની પોતાની સુરક્ષાની સંભાળ રાખશે અને નાટો પર આધારિત રહેશે નહીં. યુરોપે અમેરિકાની માત્ર સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ પર જ નહીં, પરંતુ ટેક્સટાઇલ, હોમ એપ્લાયન્સિઝ, કૃષિ, મોટરસાઇકલ, પીનટ બટર અને જીન્સ સહિતની પ્રોડક્ટ્સ પર 28 બિલિયન ડોલરના ટેરિફ લાગુ કર્યા છે. યુરોપની ડ્યૂટીનો હેતુ યુરોપને વધારાનું નુકસાન ઓછું કરીને અમેરિકા પર દબાણ લાવવાનો છે. યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું હતું કે અમેરિકા ટેરિફ લાદી રહ્યું છે ત્યારે અમે 26 બિલિયન યુરોના વળતા પગલાં લઈ રહ્યાં છે.
