એક્સક્લુસિવ
- વિવેક મિશ્રા દ્વારા
જુલાઈમાં યોજાયેલી દેશવ્યાપી રાષ્ટ્રીય ચૂંટણીઓમાં લેબરને મત આપનાર એશિયન મુસ્લિમો મતદારોની સંખ્યામાં 28 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને જ્યાં પેલેસ્ટાઈન તરફી અપક્ષ ઉમેદવારોએ મોટો ફાયદો મેળવ્યો હતો તે ઇસ્ટ અને વેસ્ટ મિડલેન્ડ્સ, યોર્કશાયર અને હમ્બર જેવા મતવિસ્તારોમાં લેબર પક્ષનું સમર્થન ઘટ્યું હતું એમ નવા અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે.
મતદાનની પદ્ધતિના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે 2019ની સામાન્ય ચૂંટણીનું પુનરાવર્તન કરતા પ્રદર્શનમાં બ્રિટિશ હિંદુઓમાં કન્ઝર્વેટિવ્સે તેમના મતોનો હિસ્સો જાળવી રાખ્યો હતો.
તા. 8ના રોજ પ્રકાશિત ‘માઇનોરિટી રિપોર્ટ’માં બ્રિટનની વંશીય લઘુમતી વસ્તીના વલણની તપાસમાં યુકેમાં એશિયન અને અશ્વેત જૂથોએ કેવી રીતે મતદાન કર્યું, તેમજ જાતિ, સમાનતા, અર્થતંત્ર, NHS અને વેલ્ફેર અંગેના તેમના મંતવ્યો જોવા માટે ફોકાડેટાનો ઉપયોગ કર્યો હતો.
યુકે ઇન એ ચેન્જિંગ યુરોપના ડાયરેક્ટર પ્રોફેસર આનંદ મેનને ગરવી ગુજરાતને કહ્યું હતું કે “મોટાભાગના વંશીય લઘુમતી મતો હજુ પણ લેબરને સમર્થન આપી રહ્યા છે. જેરેમી કોર્બીન લેબર પાર્ટીના નેતા હતા ત્યારે કાશ્મીર પ્રત્યે ચોક્કસ વલણ અપનાવી કાશ્મીરની આઝાદી માટે આહવાન કરતો ઠરાવ પસાર કરી ઘણા બ્રિટિશ હિન્દુઓને નારાજ કર્યા હતા. કંઝર્વેટિવ પાર્ટી વધુ બહુ-વંશીય બની છે અને કન્ઝર્વેટિવ પાર્ટીમાં વરિષ્ઠ હોદ્દા પર ઘણા વધુ એશિયનો છે, જે લેબર પાર્ટીમાં નથી. આ ચૂંટણીમાં, ભારે બહુમતીવાળી મુસ્લિમ બેઠકો પર લેબર હારી ગયું હતું પણ ભારે હિંદુ બેઠકો પર કન્ઝર્વેટિવે સારો દેખાવ કર્યો હતો.”
ફોકાડેટાના ચીફ રિસર્ચ ઓફિસર અને યુકેના રિસર્ચ ફેલો ઇન એ ચેન્જિંગ યુરોપ જેમ્સ કાનાગાસૂરિયમે જણાવ્યું હતું કે, “મોટી મુસ્લિમ વસ્તી સાથેની લેબર બેઠકો અપક્ષ (અને લેસ્ટર ઇસ્ટમાં કન્ઝર્વેટિવ્સ માટે) માટે પતન કોઈના ચૂંટણી બિન્ગો કાર્ડ પર ન હતી. બ્રિટિશ ભારતીયો અને બ્રિટિશ ચાઇનીઝ મતદારોના રાજકીય, સામાજિક અને આર્થિક મૂલ્યો અને ઓછા પ્રમાણમાં શ્યામ આફ્રિકન મતદારો, અન્ય લઘુમતી જૂથો – ખાસ કરીને બ્રિટિશ કેરેબિયન અને બ્રિટિશ મુસ્લિમોથી માળખાકીય રીતે અલગ છે. અમારું મતદાન સૂચવે છે કે વંશીય લઘુમતીઓમાં લેબરનું સમર્થન એ ઓસિફાઇડ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો છે જે ખૂબ જ ઝડપથી અદૃશ્ય થઈ શકે છે.”
બિન-શ્વેત બ્રિટીશ લોકોએ જો સ્નાતક સ્તરનું શિક્ષણ મેળવ્યું હશે તો તેઓ કન્ઝર્વેટીવ બને તેવી સંભાવના વધારે છે એમ વિશ્લેષણમાં જાણવા મળ્યું છે. તે એ પણ દર્શાવે છે કે બ્રિટિશ ભારતીયો અને બ્રિટિશ ચાઈનીઝ મતદારો અર્થતંત્ર, રાષ્ટ્રની અપેક્ષાઓ અને વેલ્ફેર અંગેના મંતવ્યો પર રાઇટ વિંગર હોય છે, જ્યારે અન્ય લઘુમતી જૂથો ડાબી બાજુએ વધુ મજબૂત રીતે બેસે છે.
જુલાઈની ચૂંટણીમાં, વંશીય લઘુમતીઓમાં લેબર, ગ્રીન્સ અને લિબરલ ડેમોક્રેટ્સનો સંયુક્ત મત હિસ્સો 66 ટકા હતો, જ્યારે કન્ઝર્વેટિવ્સ અને રિફોર્મ યુકે માટે તે 26 ટકા હતો. શ્વેત મતદારોમાં, સમકક્ષ આંકડા 53 ટકા અને 41 ટકા હતા.
રિપોર્ટના સહ-લેખકો પૈકીના એક અને ચેન્જિંગ યુરોપના સોફી સ્ટોવર્સે વંશીય લઘુમતીઓમાં રાજકીય વિચારોની વિવિધતાની નોંધ લેતા કહ્યું હતું કે “મતદારોના જૂથમાં અને વિવિધ વંશીયતાના મતદારો વચ્ચે રાજકીય, આર્થિક અને સામાજિક અભિપ્રાયમાં ઘણી વિવિધતા છે.”
ઘણા વંશીય જૂથો હજુ પણ લેબર તરફ ઝુકાવ ધરાવે છે ત્યારે ત્યાં વિભાજન વધી રહ્યું છે, ખાસ કરીને બ્રિટિશ ભારતીયો અને બ્રિટિશ ચાઈનીઝ કન્ઝર્વેટિવ પાર્ટીને ટેકો આપવા માટે વધુ ખુલ્લા બન્યા છે.
લેબરની સૌથી મોટી ખોટ લેસ્ટર ઈસ્ટ બેઠકની હતી, જેને પાર્ટી દ્વારા 1987થી ધારણ કરતી હતી. કન્ઝર્વેટિવ્સના શિવાની રાજાએ આ સીટ જીતી હતી. 2022ના સમરમાં લેસ્ટરમાં ફેલાયેલા કોમી તણાવને સોશિયલ મીડિયા દ્વારા ફેલાવાયેલી ખોટી માહિતીને કારણે વેગ મળ્યો હોવાનું કહેવાય છે. લેબરના જોનાથન એશવર્થ લેસ્ટર સાઉથમાં પેલેસ્ટાઈન માટે અવાજ ઉઠાવતા એમ અહેવાલમાં જણાવાયું છે કે ‘’સ્વતંત્ર સાંસદ શોકત આદમ સામે હારી ગયા હતા. ઘણા અગ્રણી લેબર નેતાઓ ચિંતા કરે છે કે ગાઝા સંઘર્ષ પર પક્ષના અસ્પષ્ટ વલણે તેના કેટલાક સૌથી વધુ વૈવિધ્યસભર મતદારો, ખાસ કરીને મોટી મુસ્લિમ વસ્તીને નારાજ કરી છે. લેબરે ગુમાવેલી સાત બેઠકોમાંથી પાંચમાં સ્થાનિક વસ્તીના 25 ટકાથી વધુ મુસ્લિમ છે. લેબરે મુસ્લિમ મતદારોમાં નોંધપાત્ર સમર્થન ગુમાવ્યું છે પણ અશ્વેત મતદારો અને બિન-મુસ્લિમ એશિયન મતદારોમાં થોડો ફાયદો કર્યો છે.”
તેનાથી વિપરિત, લંડનમાં હેરો ઈસ્ટમાં હિન્દુ મતદારોમાં કન્ઝર્વેટિવ્સ માટે સમર્થનની તાકાત જોવા મળી હતી. ઈંગ્લેન્ડમાં સૌથી વધુ હિંદુ વસ્તી ધરાવતા મતવિસ્તારમાં પક્ષનો મત હિસ્સો 2019થી માત્ર એક ટકા જેટલો ઘટ્યો છે. પણ સામે પક્ષે રાષ્ટ્રીય સ્તરે, ટોરી પાર્ટીના વોટ શેરમાં 21.3 ટકાનો ઘટાડો થયો છે.
બ્રિટિશ એશિયનોના રાજકીય વર્તનમાં ધાર્મિક પ્રભાવ એ બીજું મહત્વનું પરિબળ છે. મુસ્લિમ મતદારો મધ્ય પૂર્વ સાથે સંકળાયેલ વિદેશ નીતિના મુદ્દાઓ સાથે વધુ ચિંતિત હોય છે. બીજી તરફ હિંદુ અને શીખ મતદારો મોટાભાગે બિઝનેસ અને અર્થતંત્ર સંબંધિત સ્થાનિક નીતિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. ધાર્મિક સમુદાયો વચ્ચેનો આ તફાવત દર્શાવે છે કે ધર્મ, રાષ્ટ્રવાદ અને ઓળખ રાજકીય નિર્ણયોને કેવી રીતે આકાર આપે છે. ગાઝા અને કાશ્મીર જેવા વિદેશી નીતિના મુદ્દાઓએ વિવિધ સમુદાયોમાં મતદારોની પસંદગીઓને અસર કરી છે.
સ્ટોવર્સે કહ્યું હતું કે “વંશીય લઘુમતી મતદારો એકંદરે વધુ ધાર્મિક હોય છે અને ધાર્મિક હોવું તેમના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે, વંશીય લઘુમતીઓમાં, જેઓ વધુ ધાર્મિક છે તેઓ લેબર તરફ ઝુકાવ કરે છે, જ્યારે શ્વેત વસ્તીમાં, સૌથી વધુ ધાર્મિક લોકો કન્ઝર્વેટિવ તરફ ઝુકાવ કરે છે.”
સ્ટોવર્સે જણાવ્યું હતું કે ‘’શિક્ષણ અને આવક બ્રિટિશ એશિયનો કેવી રીતે મતદાન કરે છે તેની અસર કરે છે. બ્રિટિશ ભારતીયો, યુનિવર્સિટી-શિક્ષિત અને અન્ય વંશીય જૂથોની સરખામણીમાં વધુ આવક ધરાવતા હોવાની શક્યતા વધુ હોય છે. આ પરિબળો કન્ઝર્વેટિવ પાર્ટીને ટેકો આપવા માટે બ્રિટિશ ભારતીય મતદારોમાં વધતી જતી નિખાલસતામાં ફાળો આપે છે.’’
મેનને જણાવ્યું હતું કે, ‘’કન્ઝર્વેટિવ પાર્ટી તરફ બ્રિટિશ ભારતીયોના પરિવર્તનને બિઝનેસ-ફ્રેન્ડલી નીતિઓ સાથે પણ જોડી શકાય છે. કન્ઝર્વેટીવ નેતૃત્વ હેઠળની આર્થિક પ્રગતિએ આ સમુદાયના ઘણા મતદારોને આકર્ષ્યા હતા. કંઝર્વેટિવ પાર્ટીએ ભારતમાંથી થતા ઇમિગ્રેશનમાં મોટા પાયે વધારો કર્યો હતો.’’
સ્ટોવર્સે કહ્યું હતું કે “તાજેતરના વર્ષોમાં કન્ઝર્વેટિવ પાર્ટીમાં બ્રિટિશ એશિયન પ્રતિનિધિત્વમાં ખરેખર નોંધપાત્ર વધારો થયો છે અને કન્ઝર્વેટિવ પાર્ટીની અંદર ભારત સાથે સંબંધો બનાવવાના પ્રયાસો થયા છે. પણ બ્રિટિશ પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓમાં, લેબર પસંદગીનો પક્ષ છે. લેબર પ્રત્યેની આ વફાદારીમાં આર્થિક પરિબળો મહત્વની ભૂમિકા ભજવે છે. પાકિસ્તાની અને બાંગ્લાદેશી મતદારો આર્થિક રીતે વધુ ડાબેરી, વેલ્ફેર અને આવકના પુનઃવિતરણ જેવા મુદ્દાઓ માટે વધુ ખુલ્લા હોય છે અને તેથી તેઓ હજુ પણ લેબરને જબરજસ્ત મત આપે છે.”
મેનન કહ્યું હતું કે “સાઉથ એશિયાઈ સમુદાયના ગરીબ સભ્યોએ લેબર સાથે વળગી રહેવાનું વલણ અપનાવ્યું છે, જ્યારે વધુ સમૃદ્ધ અને સફળ લોકોએ કન્ઝર્વેટિવ તરફ વળવાનું શરૂ કર્યું છે.”
ઇમિગ્રન્ટ્સની પેઢીઓના આધારે મતદાનના વર્તનમાં પણ તફાવત પેદા થયો છે. યુવા બ્રિટિશ એશિયનો જૂની માઇગ્રન્ટ પેઢીની સરખામણીમાં વિવિધ રાજકીય પક્ષોને મતદાન કરવા માટે વધુ ખુલ્લા હોય છે, જે મોટાભાગે લેબર પ્રત્યે વફાદાર રહે છે. યુવા પેઢી આધુનિક બ્રિટિશ ઓળખ અને બદલાતી સામાજિક ગતિશીલતાથી પ્રભાવિત છે. આ પરિવર્તન બ્રિટિશ એશિયનોની વિકસતી રાજકીય પસંદગીઓને પ્રતિબિંબિત કરે છે.