ફાર રાઇટ એક્ટીવીસ્ટ અને ઈંગ્લિશ ડિફેન્સ લીગ (EDL)ના સ્થાપક ટોમી રોબિન્સને લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં યોજેલી રેલીમાં તેમના હજારો સમર્થકોએ હાજરી આપી હતી અને રેલીમાં લોકોએ યુનિયન જેક અને સેન્ટ જ્યોર્જના ધ્વજ લહેરાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ ઇવેન્ટ યુકેએ ક્યારેય નહિં જોયેલી “સૌથી મોટી દેશભક્તિ રેલી” હતી.
આ વિરોધ પ્રદર્શનમાં દર્શાવવામાં આવેલી ફિલ્મ કોર્ટનો તિરસ્કાર કરતી હોવાનું હાઇકોર્ટને જણાવાયા બાદ સ્ટીફન યાક્સલી-લેનન એટલે કે ટોમી રોબિન્સન ‘દેશ છોડીને ભાગી ગયો’ હોવાનું હાઈકોર્ટને જણાવવામાં આવ્યું છે. 2021માં હારી ગયેલા બદનક્ષી કેસ વિશે ઑનલાઇન વાત કરવાનું ચાલુ રાખવાનો આરોપ મૂકાયા પછી તા. 29ના રોજ રોયલ કોર્ટ્સ ઑફ જસ્ટિસમાં તિરસ્કારની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.
ટોમી રોબિન્સનના સમર્થકોએ ઈમિગ્રેશન પર હુમલો કરતા અને “દેશભક્તિ”ને પ્રોત્સાહન આપતા ભાષણો સાંભળ્યા હતા. આ રેલીમાં કેટલાય ભારતીયો જણ જોડાયા હતા અને તેમને ટેકો આપ્યો હતો.
કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મેટ્રોપોલિટન પોલીસે “શાંતિ જાળવવા” માટે મોટી કામગીરી હાથ ધરી હતી. પોલીસે વ્હાઇટહોલને બેરિકેડ કર્યો હતો અને મોબાઇલ યુનિટ વેસ્ટમિન્સ્ટરની આસપાસની શેરીઓમાં પાર્ક કરાયા હતા.
સ્ટેન્ડ અપ ટુ રેસીઝમ અને ભૂતપૂર્વ લેબર લીડર જેરેમી કોર્બીનના પીસ એન્ડ જસ્ટિસ પ્રોજેક્ટ દ્વારા પ્રતિ-વિરોધનું પણ લંડનમાં આયોજન કરાયું હતું. રાજધાનીમાં ટ્રાન્સ પ્રાઈડ માર્ચનું પણ આયોજન કરાયું હતું જે માટે લોકો સેન્ટ્રલ લંડનમાં ઓક્સફર્ડ સ્ટ્રીટ પાસે એકત્ર થયા હતા. જાતિવાદ વિરોધી દેખાવોમાં જેરેમી કોર્બીને ભાષણ આપ્યું હતું અને લોકોએ જાતિવાદ વિરોધી પ્લેકાર્ડ દર્શાવ્યા હતા અને સૂત્રોચ્ચારો કર્યા હતા.
મેટ્રોપોલિટન પોલીસે વિક્ટોરિયા એમ્બેન્કમેન્ટ ગાર્ડન્સમાં સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ પ્રદર્શનમાં ભાગ લેનાર પર હુમલો કરવાના આરોપસર બે પુરુષોની ધરપકડ કરી હતી. તે બનાવમાં પીડિતને માથામાં ઈજા થઈ હતી. તો ટ્રાન્સ પ્રાઇડ માર્ચમાં સ્ટુઅર્ડ પર હુમલો કરવાની શંકાના આધારે એકની તથા પોલીસ અધિકારીને લાત મારવા અને ઇમરજન્સી વર્કર પર હુમલો કરવા બદલ અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તો કથિત રીતે પેલેસ્ટિનિયન ધ્વજને નુકસાન કરવાના બનાવ બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
જાતિવાદ વિરોધી દેખાવકારોએ રસેલ સ્ક્વેરથી વ્હાઇટહોલ સુધી કૂચ કરી હતી.