ઇંગ્લેન્ડના જાણીતા ક્રિકેટર જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. 700થી વધુ વિકેટ લેનારા ઝડપી બોલર એન્ડરસને તેની અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને શાનદાર જીત અપાવીને કારકિર્દીમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે, એન્ડરસને આ ટેસ્ટની શરૂઆત અગાઉથી જ પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. લોર્ડ્ઝમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ઇંગ્લેન્ડનો એક ઇનિંગ્સ અને 114 રનથી વિજય થયો હતો. કારકિર્દીની પ્રથમ જ ટેસ્ટ રમી રહેલા ગસ એટકિન્સને મેચમં 12 વિકેટ લીધી હતી જેમાં પ્રથમ ઇનિંગની સાત વિકેટ સામેલ હતી. 41 વર્ષીય જેમ્સ એન્ડરસન તેની કારકિર્દીમાં 188મી ટેસ્ટ રમ્યો હતો જેમાં તેણે 32 રન આપીને વેસ્ટ ઇન્ડિઝની બીજા દાવમાં ત્રણ વિકેટ ખેરવી હતી. મેચ ત્રીજા દિવસે સવારે માત્ર એક કલાક ચાલી હતી. મેચ બાદ એન્ડરસન જમીન પર બેસી ગયો હતો અને પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો. તે પેવેલિયનમાં પરત ફરી રહ્યો હતો ત્યારે પ્રેક્ષકોમાં તેના માતાપિતા, પત્ની તથા બાળકો સહિત હાજર હતા અને તમામ પ્રેક્ષકોએ તેનું અભિવાદન કર્યું હતું. તે અગાઉ એટકિન્સનની સિદ્ધિને પણ પ્રેક્ષકોએ વધાવી લીધી હતી.
સવારે રમતના પ્રારંભે ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓએ જ નહીં પરંતુ કેરેબિયન ખેલાડીઓએ પણ એન્ડરસનને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. એ ક્ષણ બાદ શરૂઆતના તબક્કામાં એન્ડરસન એટલો ભાવુક બની ગયો હતો કે જાણે તે રમતમાં હતો જ નહીં.
એન્ડરસને 188 ટેસ્ટમાં 704 વિકેટ ઝડપી છે. તે ઇતિહાસનો ત્રીજો અગ્રેસર બોલર છે પરંતુ તેની આગળના બે સ્પિનર છે. મુથૈયા મુરલીધરને 800 તથા શેન વોર્ને 708 વિકેટ ઝડપી હતી.

LEAVE A REPLY