રેડ બુલ જેવા એનર્જી ડ્રિંકના એક કેનનું પ્રાસંગિક સેવન કરવાથી ઊંઘની સમસ્યા ઊભી થઇ શકે છે તેવું એક સંશોધનમાં જણાયું છે.
દરરોજ કેફિનયુક્ત ડ્રિંક્સનું સેવન કરી રહેલા 18થી 35 વર્ષની ઉંમરના 53,000 વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, અન્ય લોકોની તુલનામાં આ વિદ્યાર્થીઓની ઊંઘમાં લગભગ અડધો કલાકનો ઘટાડો થયો હતો. BMJ ઓપનમાં પ્રસિદ્ધ થયેલા આ સર્વેના તારણોમાં જણાયું હતું કે, જે લોકો દર મહિને એનર્જી ડ્રિંકના એક કે બે કેન પણ પીતા હતા તેમની ઊંઘમાં અવરોધ ઊભો થતો હતો. જે મહિલાઓ દરરોજ આવા ડ્રિંક્સનું સેવન કરતી હતી તેમાંથી અડધી મહિલાઓએ કહ્યું હતું કે, તેમને પર્યાપ્ત ઊંઘ મળતી નથી. દરરોજ એનર્જી ડ્રિંક્સનું સેવન કરનારા દસમાંથી ચાર પુરુષોને અનિદ્રા જણાઇ હતી. જે લોકો દર અઠવાડિયે આવા ડ્રિંક્સ પીતા હતા તેમનામાં રાત્રે જાગવાની, મધરાત્રિ પછી ઊંઘવાની અને કુલ છ કલાક કરતાં ઓછી ઊંઘ કરવાની સંભાવના લગભગ બમણી હોય છે. એનર્જી ડ્રિંક્સમાં કેફિન અને ખાંડનું પ્રમાણ વધુ હોય છે, તેનું વેચાણ અને પ્રચાર શક્તિ-સ્ફુર્તિ વધારનાર ડ્રિંક તરીકે કરવામાં આવે છે. પરંતુ આરોગ્ય પર તેની અસર વિશે ચિંતાઓ વધી રહી છે.
ગત સપ્તાહે પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસમાં જણાવાયું હતું કે, યુકેમાં યુવાનો અને બાળકોને તમામ એનર્જી ડ્રિંક્સ વેચવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે તે ચિંતા, તણાવ અને આત્મહત્યાના વિચારો સાથે સંબંધ ધરાવે છે. સરકારે ઈંગ્લેન્ડમાં 16 વર્ષથી ઓછી વયના બાળકોને એનર્જી ડ્રિંક્સનું વેચાણ બંધ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા-વિચારણ કરી છે.
કેટલાક મોટા રીટેઇલર્સ અને સુપર-માર્કેટ્સે રેડ બુલ અને મોન્સ્ટર જેવા ડ્રિંક્સના વેચાણ પર 16 વર્ષથી ઓછી વયના બાળકો પર અગાઉથી જ પ્રતિબંધ મૂક્યો છે.
બર્ગન અને ઓસ્લો યુનિવર્સિટીના ડોકટરોના નેતૃત્વમાં થયેલા તાજેતરના અભ્યાસમાં 53,266 નોર્વેજીયન વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે, તેમણે કેટલીવાર એનર્જી ડ્રિંક્સ પીધું હતું. તેમને તેમની ઊંઘ અંગે પણ વિસ્તૃત માહિતી એકત્ર કરવામાં આવી હતી, જેમ કે તેઓ ક્યારે ઊંઘ લેવા માટે બેડરૂમમાં ગયા અને ક્યારે ઉઠ્યા, તેમને નીંદર આવવામાં કેટલો સમય થયો અને તેઓ રાત્રે જાગી ગયા હતા કે નહીં વગેરે જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.. આ અભ્યાસમાં જણાયું હતું કે, જે લોકો આવું ડ્રિંક્સ જેટલું વધારે પીવે છે, તેમને તેટલી ઊંઘ ઓછી આવે છે. સંશોધકોએ ચેતવણી આપી હતી કે, તેમણે સાબિત કર્યું નથી કે એનર્જી ડ્રિંક્સ આ અસરો માટે કારણરૂપ છે. તેમણે સ્વીકાર્યું હતું કે, વિપરીત બાબતમાં, એનર્જી ડ્રિંકનું સેવન અન્ય કરતાં ઓછી ઊંઘનું પરિણામ હોય શકે છે, જે સંબંધને સ્પષ્ટ કરી શકે છે. આમ છતાં, તેમણે કહ્યું હતું કે, “વર્તમાન અભ્યાસના પરિણામો દર્શાવે છે કે એનર્જી ડ્રિંકના સેવનની સંખ્યા અને ઊંઘના વિવિધ માપદંડો વચ્ચે મજબૂત સંબંધ છે.”

LEAVE A REPLY