રેગ્યુલેટર ઓફજેમની નવી કેપ – મર્યાદામાં વધારો થતાં આગામી એપ્રિલ માસમાં સામાન્ય ઘરના એનર્જી બિલમાં 6.4%નો એટલે કે વાર્ષિક £111થી વધુ રકમનો વધારો થશે. લોકોની અપેક્ષા કરતાં વધુ રકમના આ વધારાના કારણે ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં 22 મિલિયન ઘરોને અસર કરશે અને આમ જનતાના નાણાકીય ખર્ચ પર ભારે દબાણ ઉભુ થશે.
આ વધારાનો અર્થ એ છે કે ગેસ અને વીજળીનો સામાન્ય વપરાશ કરતા લોકોના ઘરનું વાર્ષિક બિલ વધીને £1,849 થશે. પાણી અને કાઉન્સિલ ટેક્સમાં વધારો થનાર છે ત્યારે આ વધારો આમ જનતાની કમર તોડી નાંખશે. જોકે જુલાઈમાં કિંમતોમાં ફરી ઘટાડો થવાની આગાહીઓ પણ છે જે થોડી આશાને જન્મ આપે છે.
વીજળી માટે સ્ટેન્ડિંગનો ચાર્જ 7 પેન્સ ઘટીને 53.8p પ્રતિ દિવસ થયો છે. પરંતુ ગેસ માટેનો સ્ટેન્ડિંગનો ચાર્જ 1.2 પેન્સ વધ્યો છે. જોકે તે પ્રદેશ પ્રમાણે બદલાય છે.
યુકેમાં એક સામાન્ય ઘર દર વર્ષે 2,700 kWh વીજળી અને 11,500 kWh ગેસનો ઉપયોગ કરે છે. પ્રી-પેમેન્ટ મીટર ધરાવતા ઘરોમાં રહેતા લોકોએ થોડુ ઓછુ વાર્ષિક બિલ (£1,803) ચૂકવવું પડશે. જે લોકો રોકડ અથવા ચેક દ્વારા બિલ ચૂકવે છે તેમણે વધા રકમ (£1,969) વાર્ષિક બિલ પેટે ચૂકવવી પડશે.
રેગ્યુલેટર ઓફજેમ ગેસ અને વીજળીના ભાવોની મર્યાદા એટલે કે કેપ દર ત્રણ મહિને નક્કી કરે છે અને સપ્લાયર્સ દ્વારા વીજળીના દરેક યુનિટનો ચાર્જ ઓફજેમ મુજબ જ રાખી શકે છે.
ઓફજેમે કહ્યું હતું કે ‘’લોકોએ ભાવ વધારાથી બચવા માટે સસ્તો દર આપતી સપ્લાયર કંપની પસંદ કરવી જોઇએ. તાજેતરના મહિનાઓમાં લગભગ ચાર મિલિયન પરિવારોએ પોતાના સપ્લાયર બદલ્યા છે. જથ્થાબંધ ખર્ચમાં વધારો અને ફુગાવો તાજેતરના ભાવ વધારા પાછળ જવાબદાર છે.’’
મની સેવિંગ એક્સપર્ટના સ્થાપક માર્ટિન લુઈસે બીબીસીને જણાવ્યું હતું કે ‘’લોકોએ શ્રેષ્ઠ ડીલ માટે બજારના ભાવોની સરખામણી કરતી વેબ સાઇટ્સ તપાસવી જોઈએ, અને નવો ટેરિફ પસંદ કરતા પહેલા થોડી રાહ જોવી જોઈએ. કારણ કે મેં સાંભળ્યું છે કે એનર્જી કંપનીઓ દ્વારા કેટલાક સારા ટેરિફ લોન્ચ કરવામાં આવી રહ્યા છે.’’
ગેસ – ઇલેક્ટ્રીસીટીના પ્રતિ કિલોવોટ કલાક (kWh) ભાવ
ગેસ – ઇલેક્ટ્રીસીટી | જુના ભાવ | નવા ભાવ |
ગેસ | 6.34p | 6.99p |
વીજળી | 24.86p | 27.03p |
સ્ટેન્ડિંગ ચાર્જ વીજળી – દૈનિક | 60.97p | 53.8p |
સ્ટેન્ડિંગ ચાર્જ ગેસ – દૈનિક | 31.65p | 32.67p |
