(ANI Photo)

1975માં તત્કાલિન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાગૂ કરવામાં આવેલી કટોકટી (ઇમરજન્સી) પર આધારિત આ ફિલ્મમાં કંગના રનૌતે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત તેણે ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે, જે તેનો પ્રથમ પ્રયાસ છે. આ ફિલ્મમાં તે વખતની રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓનું ઊંડાણથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મની વાર્તા ઇમરજન્સીના સમયની છે અને તેમાં ઇન્દિરા ગાંધીનું વ્યક્તિત્વ રજૂ કરવામાં આવ્યું છે. તેમણે કેવી રીતે દેશમાં ઇમરજન્સી લગાવી હતી, ત્યારે દેશમાં શું પરિસ્થિતિ ઊભી થઇ હતી, તેઓ કેવી રીતે સત્તામાંથી બહાર થયા હતા. ઇમરજન્સીમાં તેમના પુત્ર સંજય ગાંધીની શું ભૂમિકા હતી. કઇ રીતે અને કેવા સંજોગોમાં ઇન્દિરા ગાંધીની હત્યા થઇ હતી વગેરે બાબતોને આ ફિલ્મમાં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ઘણા લોકો ઇમરજન્સી વિશે જાણે છે અને પરંતુ આજના સમયમાં ઘણા બાળકો તેના વિશે જાણતા નથી. આ ફિલ્મમાં ઘણી જગ્યાએ સંજય ગાંધી પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે ત્યારે તે સંજય ગાંધીની કહાની હોય તેવું લાગે છે. કંગનાની તેના અભિનય માટે ઘણી પ્રશંસા થઇ છે. આ ફિલ્મમાં જેપી નારાયણની ભૂમિકા અનુપમ ખેર, મહિમા ચૌધરીએ પુપુલ જયકરની અને શ્રેયસ તલપડે અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવી છે, જ્યારે સંજય ગાંધીના રોલમાં વિશાલ નાયર છે. બાબુ જગજીવરામની ભૂમિકા સતિશ કૌશિકે ભજવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ સેન્સર બોર્ડમાં અટવાઈ ગઈ હતી અને તેમાં ઘણું કાપવામાં આવ્યું હતું. આ ફિલ્મ રિલીઝ કરવા માટે કંગનાને ખૂબ જ મહેનત કરવી પડી હતી. એકંદરે, જો કોઇને ઇમરજન્સી વિશે કંઈ ખબર ન હોય તો ફિલ્મ જોઇ શકે છે.

કહેવાય છે કે, કંગનાની આ ફિલ્મ રૂ. 25 કરોડમાં નિર્માણ પામી હતી અને તેણે પ્રથમ વીકએન્ડમાં માંડ રૂ. દસ કરોડની કમાણી કરી હતી. આથી, આ ફિલ્મ તેના બજેટ જેટલો બિઝનેસ કરી શકશે કે કેમ તે અંગે શંકા છે.

જોકે, કંગના માટે આશ્વાસન એ છે કે તેની, અગાઉની તમામ સુપર ફલોપ ફિલ્મો કરતાં આ ફિલ્મ થોડી વધુ કમાણી કરી શકી છે. 2021-23 દરમિયાન કંગનાનીની ચાર ફિલ્મો રીલિઝ થઈ હતી. જેમાં ‘થલાઈવી’ નાં હિન્દી વર્ઝનને કુલ 1.81 કરોડ, 2023માં તેજસને કુલ 6.20 કરોડ, 2022માં ‘ધાકડ’ ને કુલ રુ. બે કરોડ અને ‘ચંદ્રમુખી ટૂ’નાં હિંદી વર્ઝનને માંડ 81 લાખની કમાણી થઈ હતી. આમ, આ ચાર ફિલ્મોએ કુલ રૂ. 10.82નો બિઝનેસ કર્યો હતો. જ્યારે ‘ઇમરજન્સી’ ફિલ્મે પ્રથમ ત્રણ દિવસમાં જ 10.45 કરોડનું બોક્સ ઓફિસ કલેકશન નોંધાવ્યું હતું. પ્રથમ દિવસે ભારતમાં આ ફિલ્મ રૂ. 2.50 કરોડની કમાણી કરી હતી. જોકે, પછી કમાણી ઘટતી ગઇ હતી.

LEAVE A REPLY