વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમિર ઝેલેન્સકીને મળ્યા ત્યારે તેમણે સૌ પ્રથમ હાથ મિલાવ્યા હતા અને તરત જ તેમને ભેટ્યા હતાં. રશિયાની મુલાકાત દરમિયાન મોદી પુતિનને પણ ભેટ્યા હતાં, જેની યુક્રેન સહિતના પશ્ચિમી દેશોએ આકરી ટીકા કરી હતી.
મોદી-ઝેલેન્સ્કીની મુલાકાત પછી મીડિયા બ્રિફિંગમાં બીબીસીના પત્રકારે સવાલ કર્યો હતો કે મોદી પુતિનને પણ આવા જ અંદાજમાં મળ્યા હતાં. તેના જવાબમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારતમાં જ્યારે લોકો બીજાને મળે છે ત્યારે એકબીજાને ભેટે છે. તે કદાચ તમારી સંસ્કૃતિનો ભાગ નહીં હોય, પરંતુ હું તમને ખાતરી આપી શકું છું કે તે અમારી સંસ્કૃતિનો ભાગ છે. હકીકતમાં આજે મેં જોયું કે વડાપ્રધાન મોદી પ્રેસિડન્ટ ઝેલેન્સકીને પણ ભેટ્યા હતાં.
ભારત અને યુક્રેન વચ્ચે 4 કરાર થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચેની વાતચીત બાદ ભારત અને યુક્રેન વચ્ચે શુક્રવારે ચાર સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા હતા. આ કરારોથી કૃષિ, ફૂડ ઇન્ડસ્ટ્રી, દવા, સંસ્કૃતિ અને માનવતાવાદી સહાયના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સહકારમાં વધારો થશે.