બ્રિટિશ ફ્યુચર થિંકટેન્ક માટેના નવા ફોકલડેટા મતદાનમાં જાણવા મળ્યું છે કે ઇલોન મસ્ક લેબર અને કન્ઝર્વેટિવ પક્ષના વિભાજીત મતદારોને એક કરવામાં સફળ રહ્યા છે અને બંને મુખ્ય પક્ષોના મોટાભાગના મતદારો સંમત થયા છે કે યુએસ બિલીયોનેર ઇલોન મસ્કે યુકેના રાજકારણમાં ઓછો હસ્તક્ષેપ કરવો જોઇએ.
સર્વે મુજબ 61% બ્રિટીશ લોકો ઇચ્છે છે કે ઇલોન મસ્કે યુકેના રાજકારણ અને વર્તમાન બાબતોમાં ઓછો હસ્તક્ષેપ કરવો જોઇએ. તેમાં 67% લેબર મતદારો છે અને 63% કન્ઝર્વેટિવ મતદારોનો સમાવેશ થાય છે. મસ્ક જેને ટેકો આપે છે તે રિફોર્મ પાર્ટીના 35% મતદારોએ પણ યુકેના મુદ્દાઓ પર મસ્ક પાસેથી ઓછું સાંભળવા માંગે છે એમ કહ્યું હતું.
આ નવા તારણો બ્રિટિશ ફ્યુચર તરફથી યુકે ઇવેન્ટ્સની સીરીઝ પહેલા પ્રકાશિત કરાયા છે. જેમાં યુએસ ઇમિગ્રેશન સ્ટ્રેટેજી નિષ્ણાત ફ્રેન્ક શેરી ભાગ લેનાર છે.
બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટર સુંદર કટવાલાએ કહ્યું હતું કે “મસ્ક પોતાને આપણા યુગ માટે વૈશ્વિક ‘સીટીઝન કેન’ તરીકે જુએ છે અને એટલાન્ટિકમાં ટ્વીટ કરીને સરકારો બનાવવા અને તોડવાનો પ્રયાસ કરે છે. બ્રિટિશ જનતા તેમના હેતુઓ પર વિશ્વાસ કરતી નથી. મસ્ક રાજકારણીઓ સામે હિંસા ઉશ્કેરતી ભાષાનો ફેલાવો કરી રહ્યા છે.”
20 જાન્યુઆરીએ યુએસ રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તારૂઢ થઇ રહ્યા છે ત્યારે 47% બ્રિટિશર્સ માને છે કે ટ્રમ્પનું રાષ્ટ્રપતિ પદ બ્રિટન અને વિશ્વ માટે નકારાત્મક રહેશે. જ્યારે 30% લોકો માને છે કે તે સકારાત્મક રહેશે. 54% લેબર મતદારો અને 45% કન્ઝર્વેટિવ્સ મતદારો ટ્રમ્પને યુકે અને વૈશ્વિક સ્તરે સંભવિત નકારાત્મક પ્રભાવ તરીકે જુએ છે. રિફોર્મના 61% મતદારો ટ્રમ્પ અમેરિકાની બહાર એક સકારાત્મક શક્તિ બનશે તેવી અપેક્ષા રાખે છે.