સ્પેસએક્સ અને ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક બુધવાર, 11 ડિસેમ્બરે $400 બિલિયન સંપત્તિ હાંસલ કરનારા ઇતિહાસના પ્રથમ વ્યક્તિ બન્યાં હતાં. અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી તેમની સંપત્તિમાં કુદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે, એમ બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો હતો.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર તેમની કંપની સ્પેસએક્સના શેરના વેચાણથી મસ્કની નેટવર્થમાં આશરે $50 બિલિયનનો વધારો થયો હતો અને કુલ નેટવર્થ $439.2 બિલિયન થઈ હતી. 2022ના છેલ્લાં ભાગમાં તેમની નેટવર્થમાં આશરે 200 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. જોકે ગયા મહિને ટ્રમ્પ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા પછી મસ્કને જંગી ફાયદો થયો છે. ચૂંટણી પહેલાથી ટેસ્લા ઇન્ક.ના શેરમાં અંદાજે 65 ટકાનો જંગી વધારો થયો છે. બજારને ધારણા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સેલ્ફ-ડ્રાઇવિંગ કારના રોલઆઉટને સરળ બનાવશે અને ટેસ્લાના સ્પર્ધકોને મદદ કરતા ઇલેક્ટ્રિક વાહનો માટે ટેક્સ ક્રેડિટ દૂર કરશે.
સરકારની કાર્યક્ષમતામાં વધારો કરવામાં આવેલા નવા રચાયેલા વિભાગના સહ વડા તરીકે નોમિનેટ થયા પછી મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટમાં પણ મુખ્ય ભૂમિકા ભજવશે.તેમની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI મે મહિનામાં તેના માટે ભંડોળ ઊભું કરવાનું શરૂ કર્યું ત્યારથી તેનું મૂલ્ય બમણું થયું છે, જેનું મૂલ્ય $50 બિલિયન સુધી પહોંચ્યું છે.
બુધવારે સ્પેસ એક્સ અને તેના રોકાણકારોએ એક સોદો કર્યો હતો. જેમાં કર્મચારીઓ અને કંપનીના આંતરિક સૂત્રો પાસેથી $1.25 બિલિયનના મૂલ્યના શેર ખરીદ્યા હતાં. આ સોદામાં સ્પેસએક્સનું વેલ્યુએશન $350 બિલિયન ડોલર આંકવામાં આવ્યું હતું. આ સોદાથી સ્પેસએક્સ વિશ્વનું સૌથી મૂલ્યવાન ખાનગી સ્ટાર્ટઅપ બન્યું હતું.