London, UK - 8 June, 2023 - The iconic London Underground tube sign for the Elizabeth Line at Liverpool Street station, with commuters passing by

ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) અને અરૂપ દ્વારા પ્રકાશિત નવા અહેવાલોમાં જણાવાયું છે કે એલિઝાબેથ લાઇનમાં તેના પ્રથમ અઢી વર્ષમાં મુસાફરો દ્વારા 500 મિલિયનથી વધુ મુસાફરી કરવામાં આવી હતી જેને પગલે તે યુકેની સૌથી વ્યસ્ત રેલ્વે સેવા બની છે. આ રેલવે લાઇનના રૂટ પર નોકરીઓ, ઘરો અને પુનર્જીવનના અન્ય સ્વરૂપોનું સર્જન થયું છે.

સર્વેમાં 90 ટકાથી વધુ ગ્રાહકોએ કહ્યું હતું કે એલિઝાબેથ લાઇનનો તેમના વિસ્તારમાં સકારાત્મક પ્રભાવ પડ્યો છે, ઘણા લોકો લંડનના ઉપનગરોમાં પરિવહન જોડાણમાં વધારો અને હીથ્રો એરપોર્ટ સુધીની સુલભતામાં સુધારો આવકારે છે. એબી વુડ બ્રાન્ચની આસપાસ સુધારેલા ક્રોસ-રિવર જોડાણોને કારણે રોજગારની પહોંચમાં 11 ટકાનો વધારો થયો છે. એબી વુડ લંડનના સૌથી મોટા રીજનરેશન ક્ષેત્રોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે અને આગામી પાંચ વર્ષમાં વધુ વિકાસની અપેક્ષાઓ સાથે નવા ઘરોમાં છ ટકાનો વધારો થયો છે. હીથ્રો ટર્મિનલ્સ શાખા સાથે નોકરીની સુલભતામાં પણ છ ટકાનો વધારો થયો છે. સર્વેમાં સામેલ 62 ટકા ગ્રાહકોએ કહ્યું હતું કે રેલવે ખુલવાથી રોજગારની તકો મેળવવામાં તેમની મદદ મળી છે.

અહેવાલના વિશ્લેષણ મુજબ, એલિઝાબેથ લાઇન સ્ટેશનના એક કિલોમીટરની અંદર રહેઠાણના વિકાસમાં વધારો થયો છે. જેમાં 2017 અને 2022 દરમિયાન ઇસ્ટ લંડનમાં 14 ટકા અને વેસ્ટ લંડનમાં આઠ ટકાનો વધારો થયો છે. 2015 અને 2022 વચ્ચે, એલિઝાબેથ લાઇન સ્ટેશનના એક કિલોમીટરની અંદર 378,000 નોકરીઓનું સર્જન થયું છે. આ સમયગાળા દરમિયાન, સેન્ટ્રલ લંડનમાં સૌથી વધુ નોકરીઓની વૃદ્ધિ લિવરપૂલ સ્ટ્રીટ સ્ટેશનની આસપાસ થઈ હતી.

લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે “એલિઝાબેથ લાઇન શહેર માટે ગેમ-ચેન્જર રહી છે, લંડનમાં મુસાફરીમાં પરિવર્તન લાવી રહી છે અને નવી નોકરીઓ અને ઘરોના સર્જન દ્વારા રોકાણ વધારી રહી છે અને સમૃદ્ધ લંડન બનાવવામાં મદદ કરી રહી છે. એલિઝાબેથ લાઇનની સફળતાના પુરાવા દર્શાવે છે કે જ્યારે તમે ઉચ્ચ-ગુણવત્તાવાળા પરિવહન માળખામાં રોકાણ કરો છો ત્યારે તે લંડન અને સમગ્ર દેશમાં આપણને જોઈતી નોકરીઓ, વૃદ્ધિ અને નવા રહેઠાણ માટે મોટા ફાયદાઓ પૂરા પાડી શકે છે.”

LEAVE A REPLY