સત્તાધારી ભાજપના વડપણ હેઠળના એનડીએ ગઠબંધન અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધન વચ્ચે સર્વસંમતિ ન સધાતા દેશના ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાના સ્પીકરની બુધવાર, 26 જૂન બપોરે 11 વાગ્યે ચૂંટણી યોજાશે. સ્પીકરનો હોદ્દા સંસદીય લોકશાહીમાં ઘણો મહત્ત્વનો છે અને સામાન્ય રીતે સત્તાધારી પક્ષના સાંસદ સ્પીકર હોય અને વિપક્ષના ડેપ્યુટી સ્પીકર હોય છે.
સ્પીકરની ચૂંટણી માટે રાજસ્થાનના કોટામાંથી ત્રણ વખતના સાંસદ રહેલા ભાજપના ઓમ બિરલા અને કેરળના માવેલિકારાના આઠ ટર્મના કોંગ્રેસના સંસદસભ્ય કોડીકુનીલ સુરેશ મેદાનમાં છે. ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન પાસે લોકસભામાં બહુમતી હોવાથી ઓમ બિરલા ફરી સ્પીકર બને તેવી ધારણા છે.
સ્પીકર પદ માટે ઉમેદવાર ઉતાર્યા બાદ હવે વિપક્ષે ડેપ્યુટી સ્પીકર પદ માટે પણ ઉમેદવાર મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો.
ઓમ બિરલાએ લોકસભા સ્પીકર પદ માટે ભર્યું ઉમેદવારી પત્ર ભર્યું હતું. લોકસભામાં સત્તાધારી એનડીએનું સંખ્યાબળ 293 છે, જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી ઈન્ડિયા ગઠબંધન પાસે 233 સાંસદો છે. આ ઉપરાંત સાત અપક્ષ સહિત અન્ય 16 સાંસદો પણ ચૂંટણી જીતીને સંસદ ભવનમાં પહોંચ્યા છે.
ઉમેદવારીપત્રો ભરવાની બપોરની સમયમર્યાદા પહેલા ભાજપે બિરલાના નામ પર સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કર્યો હતો. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુને સર્વસંમિતિ સાધવાનું કામ સોંપવામાં આવ્યું હતું. રાજનાથ સિંહ અને રિજિજુએ કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે સહિત ઈન્ડિયા બ્લોકના નેતાઓને મળ્યા હતાં. જોકે વિપક્ષ માગણી કરી હતી કે ડેપ્યુટી સ્પીકરપદ તેમને આપવામાં આવે છે.