ગુજરાત સહિત ભારતભરમાં સોમવાર, 31 માર્ચે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. મુસ્લિમોએ મસ્જિદોમાં નમાજ અદા કરી હતી અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મુસ્લિમોને શુભેચ્છા પાઠવતા X પરની એક પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ. આ તહેવાર આપણા સમાજમાં આશા, સંવાદિતા અને દયાની ભાવનાને વધારે છે. ઈદ મુબારક!”
અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલી ઐતિહાસિક જામા મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમો ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરવા માટે એકઠા થયા હતાં.ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ અને ગુજરાતમાં પાર્ટીના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા ઈદની શુભેચ્છા પાઠવી.
ચેટી ચાંદ અને ઈદને ધ્યાનમાં રાખીને, ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે શનિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ કમિશનરો અને પોલીસ અધિક્ષકોની એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી અને તેમને સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.સહાયે તેમને ભીડવાળા વિસ્તારોમાં પૂરતી સંખ્યામાં કર્મચારીઓ તૈનાત કરવા, દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ કરવા અને અફવાઓને કાબુમાં લેવા માટે સોશિયલ મીડિયા પર નજર રાખવા જણાવ્યું હતું.
