ભારતની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) માનવ તસ્કરી દ્વારા કેનેડાની સરહદેથી ભારતીયોને અમેરિકા મોકલવા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેટલીક કેનેડિયન કોલેજો અને કેટલાક ભારતીય એજન્ટોની સંડોવણીની તપાસ કરી રહી છે. ઇડીની આ તપાસ ગુજરાતના ડિંગુચા ગામના એક જ પરિવારના ચાર સભ્યોના મોત સાથે સંકળાયેલી છે. આ પરિવાર 19 જાન્યુઆરી, 2022ના રોજ ગેરકાયદે રીતે કેનેડાથી અમેરિકાની સરહદમાં પ્રવેશ કરવાના વખતે કાતિલ ઠંડીના કારણે મોતને ભેટ્યો હતો.
આ અંગે ઇડીએ જણાવ્યું હતું કે, તેમણે આ કેસમાં મુખ્ય આરોપી તરીકે જાહેર થયેલા ભાવેશ અશોકભાઈ પટેલ અને અન્ય કેટલાક લોકો વિરુદ્ધ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ગુનાઇત કલમો હેઠળ અમદાવાદ પોલીસની ફરિયાદને ધ્યાનમાં લીધી છે. ભાવેશ પટેલ અને અન્ય લોકો પર આરોપ છે કે “તેમણે આવા ભારતીયોને ગેરકાયદે ચેનલો દ્વારા કેનેડાથી અમેરિકા મોકલવાનું આયોજનબદ્ધ કાવતરું ઘડ્યું હતું અને માનવ તસ્કરીનો ગુનો આચર્યો હતો.”
ઇડીને અગાઉ જાણવા મળ્યું હતું કે, આ કૌભાંડના ભાગરૂપે, આરોપીએ ગેરકાયદે રીતે અમેરિકા જવા ઇચ્છતા લોકો માટે કેનેડાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં એડમિશનની વ્યવસ્થા કરી હતી. ઇડીના જણાવ્યા મુજબ, ભારતીયોને ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસાડવા માટે “લાલચ” આપવામાં આવી હતી અને તેમની પાસેથી વ્યક્તિદીઠ રૂ. 55થી 60 લાખ વસૂલવામાં આવ્યા હતા. ઇડીએ જણાવ્યું હતું કે, “એવું વધુ જણાયું છે કે કેનેડાની 112 કોલેજોએ એક સંસ્થા-એજન્ટ સાથે અને 150થી વધુ કોલેજોએ અન્ય સંસ્થા-એજન્ટ સાથે કરાર કર્યો છે. આ કેસમાં તેમની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે.” ઇડીને શંકા છે કે, કેનેડામાં આવી કુલ 262 કોલેજોમાંથી કેટલીક કોલેજો કેનેડા-અમેરિકા સરહદની નજીક છે, જે ભારતીયોની હેરાફેરીમાં સામેલ છે.