ભારતમાં સીધા વિદેશી રોકાણ (FDI)ના નિયમોના કથિત ભંગ બદલ કેન્દ્ર સરકારની એજન્સી- એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) દ્વારા બ્રિટિશ બ્રોડકાસ્ટર કંપની- બીબીસી વર્લ્ડ સર્વિસ ઈન્ડિયાને રૂ. 3. 44 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સમાચાર સૂત્રો જણાવે છે. આ ઉપરાંત ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળના એક ચુકાદામાં ઈડીએ બીબીસીના ત્રણ ડાયરેક્ટર્સને પ્રત્યેકને રૂ. 1.14 કરોડનો દંડ કર્યો હોવાનું કહેવાય છે. ઈડીએ ઓગસ્ટ, 2023માં બીબીસી વર્લ્ડ સર્વિસ ઈન્ડિયા, તેના ત્રણ ડાયરેક્ટર્સ અને નાણા વિભાગના વડાને આ કાયદાના ઉલ્લંઘન બદલ કારણ દર્શાવો નોટિસ આપી હતી. સરકારના ઈન્કમટેક્સ વિભાગે ફેબ્રુઆરી, 2023માં બીબીસીની ઓફિસ પર દરોડા પાડ્યા પછી ઈડીએ કંપની વિરુદ્ધ ફેમાની તપાસ શરૂ કરી હતી. બીબીસી વર્લ્ડ સર્વિસ ઈન્ડિયાએ 100 ટકા એફડીઆઈ કંપની છે, જે ડિજિટલ મીડિયાના માધ્યમથી સમાચાર અને સાંપ્રત પ્રવાહોનો પ્રસાર કરે છે. જોકે કંપનીએ સરકારના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરી તેનો એફડીઆઈ હિસ્સો ઘટાડીને 26 ટકા સુધી કર્યો નહોતો. 2023માં ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કરાયેલા સર્વે બાદ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બીબીસી ગ્રુપની વિવિધ કંપનીઓ દ્વારા દર્શાવાયેલી આવક અને નફો, ભારતમાં તેમની કામગીરીના કદને સુસંગત નથી. આ ઉપરાંત તેને વિવિધ વિદેશી કંપનીઓ દ્વારા મોકલાયેલાં નાણાં પર તેણે ટેક્સ ચૂકવ્યો નહોતો.

LEAVE A REPLY