ફ્રોઝન કાચા ચિકનના પેલેટમાં એક ટન કરતાં વધુ વજનના લાખો પાઉન્ડના કોકેઈનની દાણચોરી કરનાર ડ્રગ ગેંગના દસ સભ્યોને વિવિધ ગુનાઓમાં 20 ઓગસ્ટના રોજ બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં દોષિત ઠેરવી કુલ મળીને 80 વર્ષથી વધુની જેલની સજા કરવામાં આવી છે.

વેસ્ટ મિડલેન્ડ પોલીસ દ્વારા કરાયેલા ઓપરેશનમાં જણાયું હતું કે આ ગેંગે ઓસ્ટ્રેલિયામાં 225 કિલો કોકેઈન નિકાસ કર્યું હતું. ગેંગના તમામ સભ્યોએ એન્ક્રોચેટનો ઉપયોગ કરીને એકબીજા સાથે વાતચીત કરતા હોવાનું માનવામાં આવે છે.

મનિન્દર દોસાંઝ અને અમનદીપ રિશી એસેક્સથી બર્મિંગહામ પરત થતા હતા ત્યારે ફ્રોઝન ચિકનમાં છુપાયેલ 150 કિલોથી વધુ કોકેઈન મળી આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે પછી જુલાઈ 2020 માં 10-દિવસના સમયગાળામાં, બર્મિંગહામ, વુલ્વરહેમ્પટન, સેન્ડવેલ, વોલ્સલ, સાઉથ સ્ટાફર્ડશાયર અને લંડનમાં રહેતા લોકોની ધરપકડ કરાઇ હતી. પોલીસને વાહનના ટાયર અને ઔદ્યોગિક મશીનરીમાં છુપાવવામાં આવેલી £1.6 મિલિયનની રોકડ પણ મળી આવી હતી. આ ગેંગ એક ટનથી વધુ કોકેઈનની આયાત કરવા માટે જવાબદાર હતી જેનું મુલ્ય £10 મિલિયનથી વધુ હોવાનું માનવામાં આવે છે.

સ્ટેફર્ડશાયરના ચેસ્લીન હેના 39 વર્ષીય મનિન્દર દોસાંઝને ડ્રગ્સ સપ્લાય કરવા, મની લોન્ડરિંગ અને ડ્રગ્સની નિકાસ અંગે  સૌથી લાંબી 16 વર્ષ અને આઠ મહિનાની સજા  મળી હતી. બર્મિંગહામના 42 વર્ષીય રિશીને 11 વર્ષ અને બે મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. ઓલ્ડબરીના 29 વર્ષીય મોહમ્મદ ઉસ્માનને નવ વર્ષ અને આઠ મહિના, લંડનના 38 વર્ષીય સૈયદ હાશેમયાનને કાવતરામાં ભાગ લેવા બદલ બે વર્ષ અને ત્રણ મહિનાની, હેલસોવેનના પીટર મસીહને આઠ વર્ષ અને વુલ્વરહેમ્પટનના 42 વર્ષીય મનદીપ સિંહને ડ્રગ્સ અને મની લોન્ડરિંગના કાવતરા માટે સાત વર્ષ અને બે મહિનાની સજા ફટકારવામાં આવી હતી.

સેન્ડવેલના 31 વર્ષીય મિતાબ હુસૈનને સાત વર્ષ અને બે મહિના, સેન્ડવેલના 34 વર્ષીય રિઝવાન અલી અને બર્મિંગહામના 34 વર્ષીય કામરાન હુસૈનને નવ વર્ષની, વોલ્સલના 45 વર્ષીય અશ્તિયાક અહેમદને મની લોન્ડરિંગ માટે 2 વર્ષ અને સાત મહિનાની સજા ફટકારવામાં આવી હતી.

LEAVE A REPLY