હાર્લી સ્ટ્રીટના ડેન્ટીસ્ટ ડો. મોનિકા બિજલાનીને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ફીટ કરતી વખતે ખોટા દાંતમાં બેદરકારીથી ડ્રીલીંગ કરવા બદલ હાઇકોર્ટ દ્વારા £87,663નું નુકસાન ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટેમાં જણાવાયું હતું કે ડો. મોનિકાએ સંપૂર્ણ અથવા યોગ્ય એસેમેન્ટ કર્યા વગર સારવાર શરૂ કરતા 60 વર્ષીય દર્દી કેરોલિન બેઇલીને ઓપરેશન દરમિયાન ભારે દુખાવાને “સહન” કરવાનું કહ્યું હતું. તેને કારણે તેણીને “અસહ્ય” યાતના સહન કરવી પડી હતી અને જડબાનો એક ભાગ ગુમાવ્યો હતો. પેઇનકિલર્સ લીધા પછી તેમના આંતરડાની સ્થિતિ નબળી પડી ગઈ હતી. ડૉ. બિજલાની પાસે ત્રણ વખત સારવાર લીધા બાદ શ્રીમતી બેઇલીને હોસ્પિટલમાં 10 દિવસ વિતાવવા પડ્યા હતા.
મે 2018માં હાર્લી સ્ટ્રીટ ખાતે ડૉ. બિજલાનીએ પોતાની પ્રેક્ટિસમાં ઇમ્પ્લાન્ટ ફીટ કરાવવા આવેલા પાંચ બાળકોની માતા શ્રીમતી બેઈલીના જડબાના હાડકાને માપ્યા ન હતા, એક્સ-રે લીધો ન હતો અને સંકળાયેલા જોખમો વિશે જાણ્યું ન હતું.
પોતાનો બચાવ કરતા ડૉ. બિજલાનીએ કોર્ટને જણાવ્યું હતું કે “અજાણતાં માનવીય ભૂલ” ના કારણે તેણીએ ઇમ્પ્લાન્ટને અયોગ્ય રીતે ફિટ કર્યું હતું.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)