ડૉ. મનમોહન સિંહના પાર્થિદેહના અંતિમસ્કાર અને તેમની સમાધિના મુદ્દે રાજકીય લડાઈ ચાલુ થઈ હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતેના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરી ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકારે ભારત માતાના સપુત અને શીખ સમુદાયના પ્રથમ વડાપ્રધાનનું ઘોર અપમાન કર્યું છે. અગાઉ કોંગ્રેસે અંતિમસંસ્કારના સ્થળે જ સમાધિનું નિર્માણ કરવાનો સરકારને અનુરોધ કર્યો હતો. બીજી તરફ ભાજપે જણાવ્યું હતું કે મનમોહન સિંહની મેમોરિયલ માટે કેન્દ્રીય કેબિનેટને નિર્ણય કર્યો છે.
સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનોની ગરિમાને માન આપીને તેમના અંતિમ સંસ્કાર અધિકૃત સ્થળો પર કરાયા છે, જેથી દરેક વ્યક્તિ અંતિમ દર્શન કરી શકે અને કોઈપણ અસુવિધા વિના શ્રદ્ધાંજલિ આપી શકે. ડૉ. મનમોહન સિંહ આપણા સર્વોચ્ચ સન્માન અને સ્મારકને પાત્ર છે. સરકારે દેશના આ મહાન પુત્ર અને તેના ગૌરવપૂર્ણ સમુદાય પ્રત્યે આદર દર્શાવવો જોઇતો હતો.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે ભૂતપૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર માટે યોગ્ય સ્થાન ન આપીને કેન્દ્ર સરકારે પદની ગરિમા, તેમના વ્યક્તિત્વ, વારસો અને સ્વાભિમાની શીખ સમુદાય સાથે ન્યાય કર્યો નથી. અગાઉ તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનોને સર્વોચ્ચ સન્માન અને આદર આપવામાં આવ્યો છે. ડૉ. મનમોહન સિંહજી આ સન્માન અને સમાધિ સ્થળના હકદાર છે. આજે આખું વિશ્વ તેમના યોગદાનને યાદ કરી રહ્યું છે. સરકારે આ મામલે રાજકારણ અને સંકુચિત માનસિકતાથી આગળ વિચારવું જોઈએ.
કોંગ્રેસને વળતો જવાબ આપતા ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે કેન્દ્રે મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવી હતી અને તેમના પરિવારને તેના વિશે જાણ કરી હતી. કોંગ્રેસ ભૂતપૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર પર સસ્તુ રાજકારણ રમી રહી છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વર્તમાન અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભૂતપૂર્વ વડાપ્રધાનના દુઃખદ અવસાન પર પણ રાજકારણ રમવાનું ટાળી રહ્યા નથી.કોંગ્રેસની આવી હલકી વિચારસરણી માટે કોઈ નિંદા પૂરતી નથી. મનમોહન સિંહ જીવતા હતાં ત્યારે તેમને ક્યારેય વાસ્તવિક સન્માન ન આપનાર કોંગ્રેસ હવે તેમના સન્માનના નામે રાજકારણ રમી રહી છે. કેન્દ્રીય કેબિનેટે 27 ડિસેમ્બરના રોજ મળેલી બેઠકમાં ડૉ. મનમોહન સિંહની યાદમાં રાષ્ટ્રીય સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો છે.