10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ગત 29 ઓક્ટોબરના રોજ યોજાયેલા દિવાળી રિસેપ્શનમાં બીયર, વાઇન અને લેમ્બ કબાબ પીરસવા સામે બ્રિટિશ હિંદુઓએ વાંધો ઉઠાવ્યા પછી વડા પ્રધાન કેર સ્ટાર્મરની ઓફિસે આ “ભૂલ” માટે માફી માંગી હિન્દુ સમુદાયને ખાતરી આપી હતી કે ભવિષ્યમાં તેનું પુનરાવર્તન થશે નહીં.
ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાનને દિવાળીની ઉજવણી કરતા સમુદાયોને ડાઉનિંગ સ્ટ્રીટમાં રિસેપ્શનમાં આવકારતા આનંદ થયો છે. તેમણે બ્રિટિશ હિંદુ, શીખ અને જૈન સમુદાયો દ્વારા આપણા દેશમાં આપેલા વિશાળ યોગદાનની સરાહના કરી સરકાર કેવી રીતે સખત મહેનત, મહત્વાકાંક્ષા અને આકાંક્ષાના સહિયારા મૂલ્યો દ્વારા સંચાલિત થાય છે. ઇવેન્ટના આયોજનમાં ભૂલ થઈ હતી. અમે આ મુદ્દા પર લાગણીની શક્તિને સમજીએ છીએ અને તેથી સમુદાયની માફી માંગીશું અને તેમને ખાતરી આપીશું કે આવું ફરીથી નહીં થાય.”
કન્ઝર્વેટિવ પાર્ટીના બ્રિટીશ ભારતીય સાંસદ શિવાની રાજાએ સ્ટાર્મરને ઔપચારિક પત્ર જારી કર્યાના એક દિવસ બાદ આ નિવેદન આવ્યું છે. આ પત્રમાં રાજાએ કહ્યું હતું કે “મને લાગે છે કે આ વર્ષના કાર્યક્રમનું આયોજન ખરાબ રીતે કરાયું હતું. મારા પોતાના મતવિસ્તારમાં લેસ્ટર ઈસ્ટમાં હજારો હિંદુઓનું પ્રતિનિધિત્વ કરતા એક પ્રેક્ટિસીંગ હિંદુ તરીકે, મને એ સાંભળીને ખૂબ દુ:ખ થયું છે. આ અવલોકનના પરિણામે આ વર્ષનો ઉત્સવ રાજ્યના મહાન કાર્યાલયમાં નકારાત્મકતાથી ઢંકાઈ ગયો છે.”
તેમણે લેબર પાર્ટીની સરકારને હિંદુ ઉત્સવની ભાવિ ઉજવણીઓ “સન્માનજનક રીતે” ઉજવવામાં આવે તેની ખાતરી કરવા માટે પોતાની “સહાય અને માર્ગદર્શન” ઓફર કરી હતી.
29 ઓક્ટોબરના રોજ યોજાયેલ ડાઉનિંગ સ્ટ્રીટ રીસેપ્શન લેબર સરકાર ચૂંટાઈ આવ્યા પછીનું પ્રથમ દિવાળી રીસેપ્શન હતું. તે બ્રિટિશ ભારતીય સમુદાયના નેતાઓ, પ્રોફેશનલ્સ અને સંસદસભ્યોને એકસાથે લાવ્યું હતું.
ભારતીય સામુદાયિક સંસ્થા ઇનસાઇટ યુકેએ હિન્દુ તહેવારના આધ્યાત્મિક પાસાની “સમજના ભયાનક અભાવ” પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને અન્ય કેટલાક લોકોએ ધ્યાન દોર્યું હતું કે સભામાં માંસ અને આલ્કોહોલ પીરસવામાં આવતા હોવાના અહેવાલો બહાર આવ્યા પછી આવા ધાર્મિક કાર્યક્રમો પહેલાં વધુ પરામર્શ જરૂરી છે.
ડાઉનિંગ સ્ટ્રીટમાં વર્ષોથી નિયમિત રીતે રિસેપ્શનનું આયોજન કરવામાં આવે છે અને અંદરના સૂત્રોએ સંકેત આપ્યો હતો કે સ્ટાર્મર બ્રિટનના પ્રથમ બ્રિટિશ હિંદુ વડાપ્રધાન તરીકે ઋષિ સુનકના પગલે ચાલવા અને દિવાળી નિમિત્તે 10 ડાઉનિંગ સ્ટ્રીટના ઘરના દરવાજે દીવાઓ પ્રગટાવવા આતુર હતા.
ભૂતકાળમાં યોજાયલે દિવાળી રીસેપ્શનમાં જોડાયેલા લોકોએ કહ્યું હતું કે આ ઉજવણીઓ સામાન્ય રીતે શાકાહારી અને આલ્કોહોલ-મુક્ત હતી. પરંતુ આ વર્ષની ઉજવણીમાં માંસ અને આલ્કોહોલિક પીણા બંને પીરસવામાં આવ્યા હોવાના સમાચારે કેટલાક હિંદુઓમાં ગુસ્સો ઉભો કર્યો હતો.
છેલ્લી ચૂંટણીઓમાં લેબર પાસેથી સીટ જીતનાર શિવાની રાજા એકમાત્ર ટોરી સાંસદ છે. જે હિંદુ મતદારોને જકડી રાખવા માટે લેબરના લાંબા ગાળાના સંઘર્ષને દર્શાવે છે. ગયા વર્ષે, લેબર પાર્ટીને ભારતીયોના સમર્થનમાં નાટ્યાત્મક ઘટાડો થયો હતો. આ સમર્થનનો દર 2010માં 61% હતો જે 2019માં ઘટીને 30% થઇ ગયો હતો. પરંતુ સમગ્ર દેશમાં લેબર પક્ષે 2024માં હિન્દુઓમાં બે ટકા પોઈન્ટ્સનો વધારો મેળવ્યો હતો.