બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી પર અત્યાચારના અહેવાલ વચ્ચે ઇસ્કોન કોલકાતાના પ્રવક્તા રાધરમણ દાસે મંગળવારે જણાવ્યું હતું કે તેમણે બાંગ્લાદેશના તેમના સાધુઓ અને અનુયાયીઓને જાહેરમાં ભગવા વસ્ત્રો ન પહેરવા અને ‘તિલક’ ન કરવા સલાહ આપી છે.
ઇસ્કોન કોલકાતાના વાઇસ પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે “બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. બાંગ્લાદેશમાંથી સાધુઓ અને ભક્તો અમને ફોનકોલ કરી રહ્યાં છે. અમે તેમને ઇસ્કોનના અનુયાયીઓ અથવા સાધુઓ તરીકે તેમની ઓળખ જાહેરમાં છુપાવવાનું કહ્યું છે. અમે તેમને ઘરોમાં અથવા મંદિરોની અંદર સમજદારીપૂર્વક તેમની આસ્થાનું પાલન કરવા કહ્યું છે. અમે તેમને એવી રીતે વસ્ત્રો પહેરવાની સલાહ આપી છે જે ધ્યાન આકર્ષિત ન કરે.”
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પગલાં અસ્થાયી છે અને તેનો હેતુ ફક્ત તેમની સલામતીને સુનિશ્ચિત કરવાનો છે. આ કોઈ એડવાઇઝરી અથવા સામાન્ય માર્ગદર્શિકા નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અમને ભક્તોને મારું વ્યક્તિગત સૂચન છે. અમારા ઘણા ભક્તો અને તેમના પરિવારોને ધાકધમકીઓ મળી રહી છે.
બાંગ્લાદેશ સંમિલિત સનાતની જાગરણ જોટેના પ્રવક્તા તરીકે ફરજ બજાવતા ચિન્મય કૃષ્ણની સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી. આ પછી બીજા બે સાધુઓની પણ ધરપકડ થઈ હતી. 1971ના મુક્તિ યુદ્ધ દરમિયાન બાંગ્લાદેશની વસ્તીના આશરે 22 ટકા હિંદુઓ હતાં. હાલમાં હિન્દુઓની વસ્તી ઘટીને માત્ર આઠ ટકા થઈ ગઈ છે.