જીવન સાથે યુદ્ધ ન કરો : સદગુરુ
તમારી ઊંઘના સમયને ઘટાડવા માટે આરોગ્યપ્રદ ઉપાયો
શરીરને સામાન્ય રીતે આરામની જરૂર હોય છે, ઊંઘની નહીં. મોટાભાગના લોકોના મતે ઊંઘએ આરામનું સૌથી ઊંડું સ્વરૂપ છે. આથી તેઓ ઊંઘ વિશે વાત કરે છે. પરંતુ શરીર ઊંઘ નહીં આરામ ઇચ્છે છે, તે આરામની શોધમાં હોય છે. જો તમને રાત્રે આરામ નહીં મળ્યો હોય તો તમારી સવાર ખૂબ ખરાબ હશે. તેથી તે ઊંઘ નથી પરંતુ આરામ છે, જેમાં તફાવત ઉદભવે છે. જો તમે આખો દિવસ તમારા શરીરને રીલેક્સ રાખો છો અને જો તમારું કામ, કસરત તેમ જ અન્ય દરેક પ્રવૃત્તિ તમારા માટે આરામનું એક સ્વરૂપ છે, તો તમારી ઊંઘનો સમય સ્વાભાવિક રીતે ઓછો થઇ જશે. સમસ્યા એ છે કે, લોકોને ટેન્શનમાં બધું જ કામ કઠીન અને તણાવમાં કરવાનું શીખવવામાં આવ્યું છે. હું લોકોને ગાર્ડનમાં ખૂબ જ તણાવમાં ચાલતા જોઉં છું. આ પ્રકારની કસરતથી નુકસાન વધુ થશે. દરેક બાબતને યુદ્ધની જેમ જોશો નહીં. ભલે તમે ચાલી રહ્યો હોવ, જોગિંગ કરતા હોવ કે કસરત કરતા હોવ, તમે તેને સરળતાથી કે ખુશીથી કેમ નથી કરી શકતાં? જીવન સાથે લડશો નહીં. તમારા શરીરને ચુસ્ત અને સ્વસ્થ રાખવું એ યુદ્ધ નથી. તમને ગમે એ પ્રવૃત્તિ કરો. રમત રમો, તરવાનું રાખો, ચાલવાનું રાખો. જો તમે માત્ર ચીઝકેક આરોગવાની ઇચ્છા રાખશો તો જ તમને તકલીફ થશે! આથી કોઈપણ પ્રવૃત્તિમાં નિશ્ચિંત થવામાં કોઈ સમસ્યા નથી.
આહારમાં કુદરતી ભોજનનું મહત્ત્વ
જો તમે આઠ કે નવ કલાકની ઊંઘ લેતા હોવ તો એક બાબત પર ધ્યાન આપવું જોઇએ કે તમે ભોજનમાં શું લો છો. ઓછામાં ઓછા ચોક્કસ પ્રમાણમાં શાકાહારી ભોજન કરવું, ખાસ કરીને એવા ખોરાક કે જે તેમની કુદરતી, કાચી સ્થિતિમાં જમી શકાય, તે તમારા સામાન્ય આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે ખોરાક બનાવો છો, ત્યારે મોટા પ્રમાણમાં પ્રાણ અથવા જીવનની શક્તિનો નાશ પામે છે, જેના કારણે શરીરમાં સુસ્તી પ્રવેશી શકે છે. જો તમે ચોક્કસ પ્રમાણમાં તાજા ફળો અને શાકભાજી આરોગો છો તો તેના ઘણા ફાયદા છે, પરંતુ એક વસ્તુ તમે તરત જ ધ્યાનમાં લેશો કે તમારી ઊંઘનો સમય ઓછો થશે.
ભોજન બનાવીને ઝડપથી આરોગી લો
ભારતીય સંસ્કૃતિમાં, પરંપરાગત રીતે એવું કહેવામાં આવે છે કે કોઈપણ ભોજનને તેના બનાવવાના દોઢથી બે કલાકની અંદર આરોગી લેવું જોઇએ. બનાવેલા ભોજનને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખીને પછી તેને આરોગવાથી તમારી ઊંઘનો સમય વધી શકે છે, આ ઉપરાંત શરીરમાં અન્ય ઘણી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. આ જ બાબત તૈયાર ભોજન (કેન ફૂડ) માટે પણ લાગુ પડે છે. “તમસ” નામની એક બાબત છે જેનો શાબ્દિક અર્થ “જડતા” થાય છે. આ રીતે રાખવામાં આવતા ભોજનમાં ઘણી તમસ હશે, જે તમારી માનસિક ચપળતા અને સતર્કતામાં ઘટાડો કરી શકે છે.
ભોજન કરીને તરત જ પથારીમાં જશો નહીં
ઘણા લોકોની માનસિક સ્થિતિ એવી હોય છે કે જ્યાં સુધી તેઓ ભોજન ન કરે અને શરીરને આરામ ન આપે ત્યાં સુધી તેમને ઊંઘી આવતી નથી. તમારે પથારીમાં જતા અગાઉ શરીરને પાચનક્રિયા માટે પર્યાપ્ત સમય આપવો જોઈએ. હું કહીશ કે, જો તમે ભોજનના બે કલાકમાં તમે પથારીમાં જશો તો તમારો 80 ટકા આહાર કચરો બની જશે. જો તમને એવું થતું હોય કે, જ્યાં સુધી તમે ભરપેટ ભોજન નહીં જમો તો તમે ઊંઘી શકતા નથી, તો તમારે આ સમસ્યાને દૂર કરવાની જરૂર છે. આ ઊંઘ વિશે નથી, તે ચોક્કસ માનસિક સ્થિતિનો મુદ્દો છે.
ઊંઘ માટે યોગ્ય સ્થિતિને ધ્યાનમાં રાખો
જ્યારે શરીર આડી સ્થિતિમાં હોય, ત્યારે તમે તરત જ જાણી શકો છો કે તમારા પલ્સ રેટમાં ઘટાડો થયો છે. આ વખતે શરીર એવી વ્યવસ્થા કરે છે, જેથી લોહી એ જ તાકાતથી પમ્પ કરે છે, જેનાથી વધુ લોહી તમારા માથામાં જશે, જેનાથી નુકસાન થશે. જે રક્તવાહિનીઓ ઉપર તરફ જાય છે તે નીચે જતી વાહિનીઓ કરતાં વધુ સારી સ્થિતિમાં છે. જેમ જેમ તે મગજમાં જાય છે, તેમ તેમ તે લગભગ વાળ જેવી બની જાય છે, જેથી તે લોહીનું એક વધારાનું ટીંપુ પણ લઈ શકતી નથી.
જ્યારે તમે પથારીમાં ઊંઘ કરો છો અને જો તમે તમારું માથું ઉત્તર તરફ રાખો છો અને 5થી 6 કલાક સુધી આ રીતે રહો છો, તો પૃથ્વીનું ચુંબકીય આકર્ષણ તમારા મગજ પર દબાણ લાવશે, કારણ કે તમારા શરીરમાં લોહતત્વ એક મહત્વપૂર્ણ ઘટક છે. એવું નથી કે આ રીતે ઊંઘ લેશો તો મૃત્યુ પામશો. પરંતુ જો તમે દરરોજ આવી રીતે ઊંઘ કરો છો, તો તમે મુશ્કેલીને આમંત્રણ આપો છો. જો તમારી ઉંમર એક ચોક્કસ આંકડા કરતાં વધુ છે અને તમારી રક્તવાહિનીઓ નબળી છે, તો હેમરેજ અને લકવો થઇ શકે છે. જો તમારી સીસ્ટમ મજબૂત હોય તો પણ તમે સારી રીતે ઊંઘ લઇ શકતા નથી કારણ કે મગજમાં જેટલું હોવું જોઈએ તેના કરતાં વધુ પરિભ્રમણ થતું હોય છે.
જો તમે ઉત્તરીય ગોળાર્ધમાં છો, તો જ્યારે તમે ઊંઘવા માટે તમારું માથું પૂર્વ દિશામાં રાખો છો તે શ્રેષ્ઠ સ્થિતિ છે. ઊંઘ માટે ઉત્તરપૂર્વ અને પશ્ચિમ યોગ્ય દિશા છે. દક્ષિણમાં જો ફરજિયાત હોય તો જ ઊઘવું જોઇ, ઉત્તરમાં પણ નહીં, દક્ષિણ ગોળાર્ધમાં, તમારું માથું દક્ષિણ તરફ રાખશો નહીં.