ગુજરાત સરકારે બુધવારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને જિલ્લાનો દરજ્જો આપવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આની સાથે ગુજરાતમાં કુલ જિલ્લાની સંખ્યા 33થી વધુને 34 થશે. વાવ થરાદ જિલ્લાનું હેડક્વાર્ટર થરાદમાં રહેશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાંથી 8 તાલુકાઓનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાશે. બનાસકાંઠા હાલમાં એરિયાની દ્રષ્ટીએ રાજ્યના બીજા ક્રમનો સૌથી મોટો જિલ્લો છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરાયો હતો. બેઠક પછી રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.
બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.