અમેરિકન એડમિનિસ્ટ્રેશને દેશની સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે, મુંબઈના 26-11ના ત્રાસવાદી હુમલામાં દોષિત ઠરેલા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાએ ભારતમાં પ્રત્યાર્પણથી બચવા માટે કરેલી અરજીને ફગાવવામાં આવે. ભારત સરકાર ઘણા લાંબા સમયથી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માગણી કરી રહ્યું છે અને તે 2008ના મુંબઈ ત્રાસવાદી હુમલાના કેસમાં વોન્ટેડ છે. સાન ફ્રાન્સિસ્કોમાં નોર્થ સર્કિટની યુએસ કોર્ટ ઓફ અપીલ્સ સહિત અનેક નીચલી કોર્ટ અને ફેડરલ કોર્ટમાં પોતાના પ્રત્યાર્પણ સામેની કાયદાકીય લડાઈ હારી ગયા પછી, રાણાએ તાજેતરમાં અમેરિકન સુપ્રીમ કોર્ટ સમક્ષ નીચલી કોર્ટના ચુકાદાની સમીક્ષા કરવા અરજી દાખલ કરી હતી. આ લાંબી કાયદાકીય લડાઈમાં, ભારતમાં પ્રત્યાર્પણથી બચવા માટે રાણા પાસે આ અંતિમ કાયદાકીય તક છે.
તહવ્વુર રાણા અત્યારે લોસ એન્જલસની જેલમાં બંધ છે. તે 26-11ના મુંબઈ હુમલાના મુખ્ય કાવત્રાખોરો પૈકીના એક પાકિસ્તાની-અમેરિકન ત્રાસવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. યુએસ સોલિસિટર જનરલ એલિઝાબેથ બી પ્રીલોગરે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, રાણાની “ચુકાદાની સમીક્ષા કરવા માટેની અરજીને ફગાવવી જોઈએ.” તેમણે 20 પાનાની દલીલમાં વધુમાં જણાવ્યું હતું કે, તહવ્વુર રાણાને આ કેસમાં ભારતમાં પ્રત્યાર્પણમાંથી રાહત મેળવવાનો અધિકાર નથી.