ભારત અને ચીને સોમવારે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો અને સીધી ફ્લાઇટ્સ ફરી ચાલુ કરવા સૈદ્ધાંતિક રીતે સંમત થયાં હતાં. લદ્દાખમાં બંને દેશોની લશ્કરી દળોની પીછેહટના આશરે અઢી મહિના પછી આ સમજૂતી થઈ હતી. કૈલાશ માનસરોવર યાત્રા તેમજ બંને દેશો વચ્ચેની સીધી ફ્લાઈટ 2020માં સ્થગિત કરવામાં આવી હતી.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને બેઇજિંગમાં ચીનના ઉપ વિદેશ પ્રધાન સુન વેડોંગ વચ્ચે વ્યાપક વાટાઘાટો પછી આ નિર્ણયોની જાહેરાત કરાઈ હતીં. વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા અનુસાર મિસરી અને સુને ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની વ્યાપક સમીક્ષા કરી હતી અને “સંબંધોને સ્થિર કરવા અને પુનઃનિર્માણ કરવા માટે લોકો-કેન્દ્રિત પગલાં લેવા સંમત થયા હતાં. આ સંદર્ભમાં બંને પક્ષોએ 2025ના ઉનાળામાં કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ 26 અને 27 જાન્યુઆરીએ ચીનની બે દિવસની મુલાકાત ગયા હતાં.