ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની શનિવાર, 5 એપ્રિલની મેચ પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી એમએસ ધોનીની નિવૃત્તિ અંગે અટકળો દાવાનળની જેમ ફેલાઈ હતી. આ મેચમાં પ્રથમ વખત ધોનીના માતાપિતા હાજર રહ્યાં હોવાથી આવી અટકળોને વધુ વેગ મળ્યો હતો. ૪૩ વર્ષીય ધોની અંગે ભૂતકાળમાં ઘણીવાર આવી અટકળો થઈ હતી. જોકે હવે બેટિંગમાં તેનું પ્રદર્શન નવા નીચા સ્તરે પહોંચ્યું છે. તેથી ઘણા માને છે કે આ સીઝન તેની છેલ્લી હશે.
જોકે રાજ શમાણી સાથે પોડકાસ્ટમાં વાતચીત કરતા, ધોનીએ નિવૃત્તિના વિષય પરની બધી અફવાઓનો અંત લાવીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. મે મહિનામાં IPLની 18મી આવૃત્તિ પૂર્ણ થયા પછી, ધોની આગામી 10 મહિનાનો ઉપયોગ આગામી વર્ષે શું કરવા માંગે છે તે નક્કી કરવા માટે ઉત્સુક છે.
ધોનીએ જણાવ્યું હતું કે “હું હજુ પણ IPL રમી રહ્યો છું. હું 43 વર્ષનો છું, આ IPL સીઝનના અંત સુધીમાં, હું જુલાઈમાં 44 વર્ષનો થઈશ. તેથી મારી પાસે નક્કી કરવા માટે 10 મહિના છે કે મારે એક વર્ષ વધુ રમવું છે કે નહીં અને તે હું નક્કી કરી શકતો નથી; તે મારું શરીર છે, તમે રમી શકો છો કે નહીં.
