અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ 10 એપ્રિલ 2025ના રોજ તેમના 30મા જન્મદિવસ પહેલા આધ્યાત્મિક આશીર્વાદ મેળવવા માટે પોતાના વતન જામનગરથી દ્વારકાના દ્વારકાધીશ મંદિરની 140 કિમી લાંબી પદયાત્રા પર છે. ગુરુવાર, એપ્રિલની સવારે, બાગેશ્વર ધામના આધ્યાત્મિક નેતા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આ પદયાત્રામાં જોડાયા હતાં અને અનંત સાથે સાથે ખુલ્લા પગે ચાલ્યા હતાં. ધાર્મિક પ્રવચનો અને સનાતન ધર્મના પ્રખર હિમાયતી બાબા બાગેશ્વરે આરોગ્યના પડકારો છતાં અંબાણીની અતૂટ શ્રદ્ધા અને નિશ્ચયની પ્રશંસા કરી હતી.
દિવસ દરમિયાન કોઈ ખલેલ ન પહોંચે તે માટે અનંત રાત્રે આ યાત્રા કરે છે અને રામ નવમીના શુભ અવસર પર પદયાત્રા પૂરી કરવાની યોજના છે. આરોગ્યના પડકારોનો હોવા છતાં અનંતની પદયાત્રા પ્રત્યેની પ્રતિબદ્ધતા અડગ છે. અનંત બાળપણથી જ ફેફસાના ગંભીર રોગ, થાઇરોઇડ સમસ્યાઓ અને કુશિંગ સિન્ડ્રોમ જેવી બીમારીઓ સામે લડી રહ્યા છે, જે શારીરિક મર્યાદાઓનું કારણ બની છે.
પદયાત્રા દરમિયાન બાબા બાગેશ્વરે જણાવ્યું કે “અનંત અંબાણીની યાત્રા ઊંડી ભક્તિ, શ્રદ્ધા અને સનાતન સંસ્કૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કર્યો હોવા છતાં, તેમનું મન મજબૂત રહે છે, અને આ યાત્રામાં તેમની ઉર્જા નોંધપાત્ર છે. દિલ્હીથી વ્રજ સુધીની પોતાની પદયાત્રા શરૂ કરતા પહેલા, તેઓ અંબાણીની આધ્યાત્મિક યાત્રાનો ભાગ બનવા માંગતા હતાં.
યાત્રા દરમિયાન, અંબાણી હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળ્યાં હતાં. અંબાણી અને બાબા બાગેશ્વરની એક ઝલક જોવા માટે અનેક લોકો ઉમટી પડ્યા હતા, અને તેમના પર ફૂલોની વર્ષા કરી હતી.
