(ANI Photo)

માતાજીની આરાધનના પર્વ ચૈત્રી નવરાત્રિનો રવિવાર, 30 માર્ચથી પ્રારંભ થતાં સાથે ગુજરાતમાં આવેલા ત્રણેય શક્તિપીઠ પર લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. ચૈત્ર નવરાત્રિ નિમિત્તે શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી સહિતના મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યાં હતાં.શક્તિપીઠ અંબાજીમાં ઘટસ્થાપનનો સમય સવારે 9:15ના હતો. આ વર્ષે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે છે. ચૈત્ર સુદ આઠમ આગામી પાંચ એપ્રિલ-શનિવારના છે, જ્યારે 6 એપ્રિલના ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહૂતિ થશે. .

પ્રથમ નોરતે પાવાગઢ, અંબાજી અને ચોટીલાનાં મંદિરમાં વહેલી સવારથી ભક્તોની લાંબી લાઇન લાગી હતો.પુરાણો મુજબ નવરાત્રી દરમિયાન કુળદેવી, ગાયત્રી, મહાકાળી, બગલામુખી ઉપાસના કરવાનું શીઘ્ર ફળ મળે છે.
ચાર નવરાત્રિમાં આ નવરાત્રિનું વિશેષ મહત્ત્વ સાધના સિદ્ધિ કરવા માટે ગણાય છે. આધ્યાત્મિક ઊર્જા વધારવા, નવદુર્ગા ઉપાસના કરવા, સહસ્ત્ર અર્ચન, રાજોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન તેમજ મંત્ર-તંત્રના પ્રયોગ, બગલામુખી સાધના સિદ્ધ કરવા માટે અતિમહત્ત્વની ગણાય છે. ચૈત્રી નવરાત્રિમાં માતાની સાધનાથી અનેક કષ્ટો દૂર થાય છે અને સુખ-શાંતિ સમૃદ્ધિ મળી શકે છે.

હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ ઋતુ, વસંત ઋતુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે. ચૈત્રિ નવરાત્રિમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. જે ભક્તો મા શક્તિની આરાધના કરતા હોય તેમના માટે નવરાત્રિ પરમ શુભદાયી, ફળદાયી, પવિત્ર અવસર છે.

LEAVE A REPLY