ગુજરાત સહિત દેશભરમાં બુધવાર, 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વની હર્ષ અને ઉલ્લાહથી ઉજવણી કરાઈ હતી. સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર, બૈદ્યનાથ સહિતના બાર જ્યોતિર્લીંગ સહિત શિવાલયોમાં સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
શિવાલયોમાં સવારથી ભક્તોની કતાર લાગી હતી. લાખો ભક્તો, સાધુ-સંતોએ ભવગાન શિવજીની આરાધન કરી હતી. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર સાથે મહામૃત્યુંજય યજ્ઞ સહિતની પૂજા વિધિઓ પણ કરાઈ હતી.
ઉજ્જૈનમાં વિશ્વપ્રસિદ્ધ ભગવાન મહાકાલના દ્વાર વહેલી સવારે ખોલવામાં આવ્યા હતાં.મહાશિવરાત્રી નિમિત્તે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં આરતી કરવામાં આવી હતી. ઉપરાંત, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ખાસ ભસ્મ આરતી કરવામાં આવી હતી.
કાશીના પ્રખ્યાત વારાણસીના વિશ્વનાથ મંદિર પણ મોટી ભીડ ઉમટી હતી. શિવ વિવાહ નિમિત્તે કાશીમાં બાબા વિશ્વનાથની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભસ્મ લગાવાયેલા શિવ ગણ (ભૂત, પિશાચ, તાલ-બેતાલ, સપેરા), નરમુંડ સાથે કાલી, ગડારી, સાધુ-સંન્યાસી અને જાદુગરોની ટોળીએ નૃત્ય કર્યું હતું.
ગુજરાતમાં જૂનાગઢમાં મહાશિવરાત્રીએ ભવનાથના મેળાની પૂર્ણાહુતિ થઈ હતી. ‘જય ગિરનારી’ના નાદ સાથે રાત્રે સાધુ-સંતોની રવાડી કાઢી હતી અને શરીરે ભસ્મ લગાડી મૃગી કુંડમાં સ્નાન કર્યું હતું.
સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિએ 7 કલાકે આરતી કરવામાં આવી હતી અને સવારે 8.30 કલાકે નવી ધજા ચડાવવામાં આવી હતી. મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી.
