મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, શિવસેના, એનપીસીના મહાયુતિ ગઠબંધનને પ્રચંડ વિજય મળ્યાના આશરે 10 દિવસ પછી રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઇનલ થયું હતું. ફડણવીસની સાથે શિવસેના નેતા એકનાથ શિંદે અને એનસીપીના નેતા અજિત પવાર નાયબ મુખ્યપ્રધાન બનશે. નવી સરકારનો શપથગ્રહણ સમારંભ 5 ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે.
બુધવારે ભાજપના ધારાસભ્ય દળમાં મુખ્યપ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામ પર સર્વાનુમતિની મહોર લાગી હતી. આ પછી દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર એક જ કારમાં બપોરે 3 વાગ્યે રાજભવન પહોંચ્યા હતાં અને રાજ્યના ગવર્નર સી.પી. રાધાક્રિષ્ણન સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો હતો.
રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યા પછી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે આવતીકાલે શપથવિધિમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેશે તથા મહાયુતિ ગઠબંધનના ત્રણેય પક્ષ (ભાજપ, શિવસેના, એનસીપી)ના નેતા પણ ઉપસ્થિત રહેશે. મુખ્યપ્રધાન અને ડેપ્યુટી મુખ્યપ્રધાન પદ એ માત્ર ટેક્નિકલ હોદ્દો છે. અમે સાથે મળીને કામ કરીશું.
મુંબઈના આઝાદ મેદાનમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ યોજાશે. નાગપુરમાંથી ચૂંટાયેલા ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન બનાવવાની જાહેરાત સાથે જ તેમના નિવાસ સ્થાનની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. મહાયુતિ ગઠબંધનમાં સામેલ ભાજપના 22 ધારાસભ્યો, એનસીપી(અજિત પવાર)ના 10 ધારાસભ્યો અને શિવસેનાના 12 ધારાસભ્યો પ્રધાન તરીકે શપથ લેશે.