અમેરિકાની ધરતી પર શીખ અલગતાવાદીની હત્યાના નિષ્ફળ કાવતરામાં ભારત સરકારની સંડોવણીના આરોપો વચ્ચે સોમવારે ડેમોક્રેટિક સેનેટરોના એક પાવરફૂલ ગ્રુપે ભારત સામે મજબૂત રાજદ્વારી પ્રતિસાદ આપવાનું બાઇડન સરકાર પર દબાણ કર્યું હતું.
સેનેટર્સ જેફ મર્કલે, રોન વાઈડન, ટિમ કેઈન, બર્ની સેન્ડર્સ અને ક્રિસ વેન હોલેનના હસ્તાક્ષર સાથે સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનને બે પાનાનો પત્ર મોકલામાં આવ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે આ કાવતરામાં સામેલ હોય તેવા લોકોને જવાબદાર ઠેરવવામાં આવે તે માટે અમે મજબૂત રાજદ્વારી પ્રતિસાદનો અનુરોધ કરીએ છીએ. આ બાબતે ભારત સરકાર સાથે બાઇડન સરકારના વિચારવિમર્શ અંગેની હાલની સ્થિતિની પણ માહિતી જાહેર કરવી જોઇએ.
સેનેટરોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે દેશ અને વિદેશમાં માનવ અધિકારોનું સન્માન કરવાની તેની પ્રતિબદ્ધતા જાળવી રાખવી જોઈએ કારણ કે તે વૈશ્વિક નેતૃત્વની ઈચ્છા ધરાવે છે. હવે ભારતની 2024ની લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન (નરેન્દ્ર) મોદી સત્તામાં પાછા ફર્યા છે, ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ પાસે આ મુદ્દાને ભારત સરકાર સાથે મુખ્ય એજન્ડાની આઇટમ તરીકે સામેલ કરવાની તક છે. યુનાઈટેડ સ્ટેટ્સે આંતરરાષ્ટ્રીય દમનનો વિરોધ કરવા માટે મક્કમ અને દ્રઢ રહેવું જોઈએ
અમેરિકાની ધરતી પર શીખ ઉગ્રવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કાવતરાના આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનું ચેક રિપબ્લિકથી અમેરિકામાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યા પછી સેનેટરોએ આ રજૂઆત કરી છે. ફેડરલ પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો છે કે ગુપ્તાએ પન્નુનને મારવા માટે એક હિટમેનને રાખ્યો હતો અને એડવાન્સમાં 15,000 ડોલર ચૂકવ્યા હતાં. એપ્રિલ 2024માં વોશિંગ્ટન પોસ્ટે અહેવાલ આપ્યો હતો કે ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW) અધિકારી વિક્રમ યાદવે આ કાવતરું ઘડ્યું હતું અને R&AW તત્કાલીન ચીફ સામંત ગોયલે ઓપરેશનને મંજૂરી આપી હતી. જોકે ભારતીય વિદેશ મંત્રાલયે આ અહેવાલને ફગાવી દીધો હતો.
ગુપ્તાને સોમવારે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં ગુપ્તાએ દોષિત ન હોવાની રજૂઆત કરી હતી.