દિલ્હીની એક અદાલતે સોમવારે કાર્યકર્તા મેધા પાટકરને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ દાખલ કરેલા માનહાનિ કેસમાં પાંચ મહિનાની સાદી કેદની સજા અને રૂ.10 લાખનો દંડ ફટકાર્યા હતો. સક્સેના ગુજરાતમાં એક એનજીઓનું નેતૃત્વ કરતા હતાં ત્યારે 23 વર્ષ પહેલા આ કેસ દાખલ કર્યો હતો.
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાઘવ શર્માએ પાટકર સમક્ષના પુરાવા અને આ કેસ બે દાયકાથી વધુ ચાલ્યો તે હકીકતને ધ્યાનમાં લીધા પછી સજા સંભળાવી હતી. જોકે પાટકર આદેશ સામે અપીલ દાખલ કરી શકે તે માટે કોર્ટે સજાને એક મહિના માટે સસ્પેન્ડ કરી હતી.
24મેના રોજ કોર્ટે અવલોકન કર્યું હતું કે સક્સેનાને “કાયર” ગણાવતા અને હવાલા વ્યવહારોમાં તેમની સંડોવણીનો આરોપ મૂકતા પાટકરના નિવેદનો બદનક્ષીકારક છે. આવા નિવેદનો સક્સેના સામે નકારાત્મક છબી ઊભી કરે છે. આ ઉપરાંત ફરિયાદી ગુજરાતના લોકો અને તેમના સંસાધનોને વિદેશી હિતો માટે “ગીરો” રાખતા હોવાનો આરોપ તેમની પ્રામાણિકતા અને જાહેર સેવા પર સીધો હુમલો હતો.
સજા અંગેની દલીલો 30મી મેના રોજ પૂર્ણ થઈ હતી, ત્યારબાદ 7મી જૂને સજાના પ્રમાણ અંગેનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.પાટકર અને સક્સેના 2000થી કાનૂની લડાઈ લડી રહ્યાં છે. પાટકરે નર્મદા બચાવો આંદોલન (NBA) વિરુદ્ધ જાહેરાતો પ્રકાશિત કરવા બદલ તેની સામે દાવો માંડ્યો હતો. સક્સેના તે સમયે ‘કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝ’ નામની અમદાવાદ સ્થિત એનજીઓનું નેતૃત્વ કરતા હતાં, તેમણે 2001માં પાટકર વિરુદ્ધ ટીવી ચેનલ પર અપમાનજનક ટિપ્પણી કરવા અને બદનક્ષીભર્યું પ્રેસ નિવેદન જારી કરવા બદલ બે કેસ પણ દાખલ કર્યા હતાં.