(ANI Photo)

દૂરદર્શન પર લોકપ્રિય થયેલી રામાનંદ સાગર નિર્મિત ‘રામાયણ’ સીરિયલમાં સીતામાતા તરીકે કરોડો દર્શકોના હૃદયમાં રાજ કરનારા દીપિકા ચિખલિયા હવે ફરીથી એક ધાર્મિક ભૂમિકામાં જોવા મળશે. તેઓ હવે ‘બડી હવેલી કી છોટી ઠકુરાયણ’માં ‘ગુરુ મા-અધ્યાત્મિક ગુરુ’ બનીને એક દૈવી શક્તિ તરીકે પ્રગટ થશે. આ શો દર સોમવારથી શનિવાર, રાત્રે 9 વાગ્યે, શેમારૂ ઉમંગ પર પ્રસારિત થાય છે.

આ લોકપ્રિય શોમાં અનોખા ટ્વિસ્ટ આવી રહ્યા છે. વર્તમાનમાં ચૈના (દીક્ષા ધામી) માટે પરિસ્થિતિઓ વધુ મુશ્કેલ બનતી જાય છે. ચમકીલી (ઈશિતા ગાંગુલી) પોતાના ષડયંત્રથી આખા પરિવારને ચૈના વિરુદ્ધ કરવામાં સફળ નીવડે છે. પરંતુ, હવે વાર્તામાં એક નવો ટર્ન આવશે, જ્યારે ‘ગુરુ મા’ તરીકે એક દૈવીય શક્તિ પ્રગટ થશે, જે આખી વાર્તાને એક નવી દિશા આપશે. તે ચૈનાને જણાવશે કે તે જયવીર (શીલ વર્મા)ની રક્ષક છે. દીપિકા ચિખલિયાની એન્ટ્રી પછી હવેલીમાં અનેક મોટા પરિવર્તનો આવશે, જેનાથી ચમકીલીની ચાલ નબળી પડશે. દીક્ષા ધામી માટે દીપિકા ચિખલિયા સાથે કામ કરવું એક સ્વપ્ન હતું.

દીક્ષા કહે છે, “આપણે સૌ આપણા માતા-પિતા પાસેથી સાંભળતા આવ્યા છીએ કે દીપિકાજીએ સીતામાતાનું પાત્ર ભજવ્યું હતું, તેમને આજે પણ લોકો આદર અને શ્રદ્ધાથી યાદ કરે છે. જ્યારે મેં મારા માતા-પિતાને કહ્યું કે, હું દીપિકા ચિખલિયાજી સાથે કામ કરી રહી છું, ત્યારે તેઓ ખૂબ ખુશ થયાં હતાં. મારા કહ્યાં પહેલા જ, તેમણે આ ખુશખબરી પરિવાર અને મિત્રોને જણાવી દીધી! દીપિકાજી એક દિગ્ગજ કલાકાર હોવા છતાં ખુબ જ સરળ અને વિનમ્ર છે. તેમની સાથે કામ કરવું મારા માટે જીવનની એક અનમોલ તક છે. જે રીતે તેઓ દરેક દૃશ્યને જીવંત અને ભાવનાત્મક બનાવે છે, તે પ્રેરણાદાયક છે. ‘ગુરુ મા’ તરીકે દીપિકા ચિખલિયાની એન્ટ્રી શોમાં અનેક ભાવનાત્મક ક્ષણો અને ટ્વિસ્ટ લાવશે. ચૈના અને ગુરુ મા વચ્ચે એક મજબૂત સંબંધનું પણ નિર્માણ થશે, જે સમગ્ર વાર્તાને એક નવી ઊંચાઈએ પહોંચાડશે.”

LEAVE A REPLY