છ મહિનાના હતા ત્યારથી થેલેસેમિયાની બીમારીને કારણે પોતાનું લોહી યોગ્ય રીતે બનાવી નહિં શકતા હોવાથી રક્તદાન થકી લોહીના 1,800 યુનિટ એટલે કે 1,500 પાઇન્ટ્સ મેળવનાર ડી તરીકે ઓળખાતા રિકમન્સવર્ક, હર્ટફર્ડશાયરના 52 વર્ષીય દીપિકા શાહે પોતાનું જીવન બચાવનાર રક્ત દાતાઓનો ખરા દિલથી આભાર માન્યો છે. દીપિકા શાહ યુકેના સૌથી વધુ રક્ત મેળવનાર મહિલા હોવાનું માનવામાં આવે છે.
દીપિકા શાહે કહ્યું હતું કે “રક્તદાતાઓ જીવન બચાવનાર છે. તેમની મદદ ન હોત તો આપણામાંના ઘણા લોકો હાલ જે ઉંમરના છીએ તેટલી વય સુધી પહોંચી શક્યા ન હોત. શાબ્દિક રીતે કહું તો તે અમને મળેલી જીવનની ભેટ છે. રક્ત ન મળે તો હું ખરેખર થાકી જાઉં છું, સીડી ચઢવામાં પણ મુશ્કેલી થાય છે. પરંતુ લોહી મળતાં જ હું ઉત્સાહિત થવાનું અનુભવું છું.”
થેલેસેમિયા એક આનુવંશિક સ્થિતિ છે જ્યાં લોકો કાં તો ઓછું અથવા ખૂબ ઓછું હિમોગ્લોબિન ઉત્પન્ન કરે છે. તે શરીરમાં ઓક્સિજનનું વહન કરે છે. થેલેસેમિયાના લક્ષણોમાં ગંભીર થાક, શ્વાસ લેવામાં તકલીફ અને ધબકારા, ફફડાટ અથવા અનિયમિત ધબકારાનો સમાવેશ થઈ શકે છે. સારવાર વિના, ગંભીર પીડિત વ્યક્તિ ઘણીવાર પ્રારંભિક પુખ્તાવસ્થામાં મૃત્યુ પામે છે.
પોતાને મળતું લોહી ક્યાંથી આવ્યું તે વિશે બાળપણમાં જાણ્યા બાદ દીપિકા બલ્ડ ટ્રાન્ફ્યુઝન ક્ષેત્રમાં કામ કરતા બાયોમેડિકલ વૈજ્ઞાનિક બન્યા હતા. તેઓ ગંભીર થેલેસેમિયા અથવા સિકલ સેલ રોગ ધરાવતા લોકોને તેમના ડીએનએ ટેસ્ટ કરાવવા માટે NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ અપીલનું નેતૃત્વ કરી રહ્યા છે. આ ટેસ્ટ થકી જે તે દર્દીઓને તેમનુ મેળ ખાતુ લોહી અપાય છે અને ભવિષ્યમાં એન્ટિબોડીઝ વિકસવાનું અને અંગોને નુકસાન થવાનું જોખમ રહેતું નથી. યુકેમાં વિશ્વની શ્રેષ્ઠ જીનોમિક ક્ષમતાઓ છે જેનો જીનોટાઇપિંગ પ્રોગ્રામ એકસાથે તમામ 357 રક્ત પ્રકારોને તપાસવા માટે નવા DNA આધારિત પરીક્ષણનો ઉપયોગ કરે છે. જેથી દીપિકા જેવા લોકોને સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ મેચ થયેલ રક્ત મળે.
એનએચએસબીટી જીનોમિક્સ ડિરેક્ટર એન્ડ્રીયા હાર્મરે કહ્યું હતું કે “અમને હંમેશા વધુ દાતાઓની જરૂર છે, ખાસ કરીને બ્લેક અને સાઉથ એશિયન હેરિટેજના લોકોની જરૂર છે.”
આપ જો લોહીનું દાન કરવા માંગતા હો તો blood.co.uk ની મુલાકાત લો અથવા 0300 123 23 23 પર રિંગ કરો.