દીપિકા પદુકોણ હવે શાહરુખ ખાન સાથેની નવી ફિલ્મ ‘કિંગ’માં સુહાના ખાનની માતાની ભૂમિકામાં જોવા મળશે. સિદ્ધાર્થ આનંદની આ એક્શન થ્રિલર ફિલ્મમાં દીપિકા એક મહત્વનો કેમિયો કરતી જોવા મળશે. અગાઉ દીપિકાએ અટલીની ‘જવાન’, રણબીર કપૂર અને આલિયાની ‘બ્રહ્માસ્ત્ર 1 – શિવા’ તેમજ ‘કલકી’માં માતાની ભૂમિકા ભજવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ “તેનો રોલ ફિલ્મ માટે ઘણો મહત્વનો છે, તેમના સંઘર્ષથી જ સ્ટોરી શરૂ થાય છે. શાહરુખ અને સિદ્ધાર્થ આનંદ બંને આ ફિલ્મમાં દીપિકાને જ લેવા ઇચ્છતા હતા કારણ કે આ પાત્ર ઘણું મહત્વનું છે. દીપિકાએ પણ આ લાંબો રોલ ન હોવા છતાં તરત જ આ રોલ સ્વીકારી લીધો હતો.”
‘કિંગ’માં શાહરુખ અને દીપિકા છઠ્ઠી વખત એકસાથે કામ કરતાં જોવા મળશે. ‘પઠાણ’ અને ‘જવાન’ પછી તેમની બંનેની સતત સાથે આ ત્રીજી ફિલ્મ છે. તેઓ 2026માં યશરાજ ફિલ્મ્સની ‘પઠાણ 2’માં પણ એક સાથે કામ કરવાના હોવાની ચર્ચા છે.
દીપિકાનું બોલીવૂડમાં પદાર્પણ જ શાહરુખ ખાન સાથે ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મથી થયું હતું. ત્યાર પછી તેણે શાહરુખ સાથે ‘હેપ્પી ન્યુ યર’, ‘ચેન્નઈ એક્સ્પ્રેસ’માં પણ કામ કર્યું છે. ‘કિંગ’માં ‘મૂંજ્યા’ ફેમ અભય વર્મા પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનું શૂટિંગ મે-જૂન મહિનામાં શરૂ થવાની શક્યતા છે અને તે આવતા વર્ષે રિલીઝ થશે.
