ભારતના ૧૮ વર્ષના ચેસ ખેલાડી ડી. ગુકેશે ગયા સપ્તાહે ઇતિહાસ સર્જી સૌથી નાની વયે ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિધ્ધિ પ્રાપ્ત કરી હતી. ચીનના ડીફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ડિંગ લિરેનને ૧૪મી અને આખરી ગેમમાં હરાવી ૦.૫ની સરસાઈથી ટાઇટલ હાંસલ કર્યું હતું. બંનેનો આખરી સ્કોર ૭.૫ – ૬.૫ પોઈન્ટનો રહ્યો હતો.
વર્લ્ડ ચેમ્પિયન બનતા ડી. ગુકેશને રૂ. ૧૧ કરોડનું ઇનામ મળ્યું હતું.ચેસના ચાહકો જાણે છે કે આ એક જબરજસ્ત ઐતિહાસિક સિધ્ધિ છે. સોશિયલ મિડિયામાં તેના પર દેશવાસીઓએ અભિનંદનની વર્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડી. ગુકેશની સિધ્ધિ બિરદાવી હતી. ગુકેશ જોગાનુજોગ ૧૮ વર્ષની વયે જ ૧૮મો વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે.
ભારતનો વિશ્વનાથન આનંદ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકયો છે. છેલ્લે ૨૦૧૨માં તે ચેમ્પિયન બન્યો હતો.
ગુકેશે ૧૭ વર્ષની વયે ફીડે કેન્ડીડેટસ ચેસ ટુનામેન્ટ જીતીને ડિફેન્ડીંગ ચેમ્પિયન લિરેનને ચેસ ચેમ્પિયનનો તાજ જાળવી રાખવા પડકારવામાં સફળત મેળવી હતી. ૧૩૮ વર્ષના આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે ફાઇનલમાં બંને ખેલાડીઓ એશિયાના હતા.
ડી. ગુકેશ વિજય પછી હર્ષના આંસુ સાથે રડી પડયો હતો. તેણે ચેમ્પિયન બન્યા પછી નમ્રતા દાખવતાં કહ્યું હતું કે ‘ભલે હું વર્લ્ડ ચેમ્પિયન બન્યો પણ મારા મતે અસલી ચેમ્પિયન તો મેગ્નસ કાર્લસેન જ છે.’કાર્લસેને વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ટાઈટલ જંગની રેસમાં ઉતરવાનું જ છોડી દીધું છે જેથી વિશ્વને નવો ચેમ્પિયન મળે