વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીમાં યુકેના વિદેશ પ્રધાન ડેવિડ લેમી સાથે મુલાકાત કરી હતી.. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથેની મુલાકાત પછી બ્રિટિશ વિદેશ પ્રધાન ડેવિડ લેમીએ તેમની પ્રથમ ભારત મુલાકાત દરમિયાન નવી UK-ભારત ટેકનોલોજી સુરક્ષા પહેલની જાહેરાત કરી હતી.

યુકેની ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (એફસીડીઓ) જણાવ્યા અનુસાર અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં નિર્ણાયક અને ઉભરતી ટેકનોલોજીમાં સહયોગને વિસ્તૃત કરવા માટે બંને દેશો વચ્ચેની વાટાઘાટો બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (NSAs) દ્વારા સિક્યોરિટી ઇનિશિયેટિવ પર સંમતિ આપવામાં આવી છે. તે ટેલિકોમ, ક્રિટિકલ મિનરલ્સ, AI, ક્વોન્ટમ, હેલ્થ/બાયોટેક, એડવાન્સ્ડ મટિરિયલ્સ અને સેમિકન્ડક્ટર્સ સહિતના ક્ષેત્રોમાં ક્રિટિકલ ટેક્નોલોજીને માટે ભારત અને યુકે કેવી રીતે સાથે મળીને કામગીરી કરશે તેનો “બોલ્ડ નવો અભિગમ” નિર્ધારિત કરશે.

FCDOએ જણાવ્યું હતું કે યુકે-ભારત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવેસરથી મજબૂત કરવા યુકેના વિદેશી પ્રધાને ભારતના વિદેશી પ્રધાન ડો. એસ જયશંકર સહિતના નેતાઓ સાથે નવી દિલ્હીમા દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. આ બેઠકો પછી એક વ્યાપક પેકેજના ભાગરૂપે આ ટેકનોલોજી ઇનિશિએટિવ જાહેર કરાઈ છે.

લેમીએ જણાવ્યું હતું કે “આ સરકાર વૃદ્ધિને અમારી વિદેશ નીતિના કેન્દ્રમાં રાખશે. તેથી જ હોદ્દો સંભાળ્યાના ત્રણ અઠવાડિયા પછી, હું દિલ્હીમાં યુકે-ભારત સંબંધોના વચનને પૂર્ણ કરવા માટે નવી ટેક્નોલોજી સુરક્ષા પહેલની જાહેરાત કરી રહ્યો છું.આનો અર્થ એ છે કે એઆઈથી લઈને નિર્ણાયક ખનિજો સુધીના ભવિષ્યના પડકારો પર એકસાથે વાસ્તવિક કામગીરી થશે. બંને દેશો સાથે મળીને પરસ્પરની આર્થિક વૃદ્ધિ, ઇનોવેશન, નોકરીઓ અને રોકાણને વેગ આપી શકશે. અમે આબોહવા કટોકટી પર અમારા સંયુક્ત કાર્યને પણ વેગ આપી રહ્યા છીએ, જે બ્રિટિશ અને ભારતીયો માટે વધુ ઉજ્જવળ, સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરી કરશે.”

યુકે રિસર્ચ એન્ડ ઈનોવેશન (UKRI) અને ભારતના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા ભારત-યુકે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશન પાર્ટનરશિપ હેઠળ ફ્યુચર ટેલિકોમ સંશોધન માટે 7-મિલિયન પાઉન્ડના નવા ફંડની જાહેરાત પણ કરવામાં આવી હતી.

સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાયન્સ પીટર કાઇલે જણાવ્યું હતું કે “યુકે અને ભારતને વિજ્ઞાન, ઇનોવેશન અને ટેકનોલોજી માટે વિશ્વભરમાં પાવરહાઉસ તરીકે ઓળકાય છે અને આ નવો કરાર બંને દેશોના નાગરિકો માટે વૃદ્ધિ અને અસંખ્ય લાભો પ્રદાન કરશે. ટેલિકોમ અને સેમિકન્ડક્ટરથી લઈને બાયોટેક્નોલોજી અને AI સુધી ટેકનોલોદી અસંખ્ય નવી તકો અને ઇનોવેશનને બહાર લાવશે.”

લેમી અને જયશંકર ફાઇનાન્સને એકત્ર કરવા અને નવી પર્યાવરણલક્ષી વૃદ્ધિની તકો ખોલવા સહિત આબોહવા પર ભાગીદારી ગાઢ કરવા સંમત થયા હોવાનું માનવામાં આવે છે.

LEAVE A REPLY