દુબઇમાં ‘ધ 1% મેન’ તરીકે ઓળખાતા વિઝનરી લીડર રિઝવાન સાજને યુએઈના રિયલ એસ્ટેટ ઉદ્યોગનું મુખ્ય બળ મનાતી પોતાની પ્રોપર્ટી કંપની ડેન્યુબ પ્રોપર્ટીઝનું વિસ્તરણ કરી લંડનના હેરો ખાતે 27મી સપ્ટેમ્બરે ફૂલ્લી ફર્નીશ્ડ શો એપાર્ટમેન્ટ સાથેની સત્તાવાર ઓફિસનો શુભારંભ કર્યો છે.
26મી સપ્ટેમ્બરે ડન્યુબે બ્રોકર માટેની ઈવેન્ટ દ્વારા ઓફિસનું લોન્ચિંગ કર્યું હતું, જેમાં જાણીતી અભિનેત્રી મેહવિશ હયાત સહિત 300થી વધુ બ્રોકરો હાજર રહ્યા હતા અને ડેન્યૂબના વિવિધ પ્રોપર્ટી પોર્ટફોલિયોની માહિતી મેળવી હતી.
ડેન્યુબ જૂથને મીડલ ઇસ્ટના સૌથી મોટા અને સૌથી વધુ વૈવિધ્યસભર બિઝનેસ સમૂહમાંનું એક બનાવનાર ડેન્યુબ ગ્રૂપના સ્થાપક અને અધ્યક્ષ રિઝવાન સાજને ગરવી ગુજરાતને એક એક્સક્લુસિવ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’ડેન્યુબ જૂથે સમગ્ર મીના (MENA) ક્ષેત્રમાં 75થી વધુ સ્થળોએ વિસ્તરણ કર્યું છે અને હવે અમે £1.5 બિલિયન કરતાં વધુ રકમનું વાર્ષિક ટર્નઓવર કરીએ છીએ. અમે UAE ના અત્યંત સ્પર્ધાત્મક રિયલ એસ્ટેટ સેક્ટરમાં તાજેતરના વર્ષોમાં £5.2 બિલિયન કરતાં વધુ સંયુક્ત મૂલ્ય સાથે પ્રોપર્ટીઝની વિશાળ શ્રેણી વિકસાવી છે. ડેન્યૂબના કેટલાક પ્રોજેક્ટ્સમાં ફેશન્ઝ, ડાયમંડ્ઝ અને અન્ય પ્રોજ્ક્ટ્સનો સમાવેશ થાય છે અને તે દરેકે નવીનતા અને ડિઝાઇન માટે નવા બેન્ચમાર્ક સેટ કર્યા છે.’’
રિઝવાન સાજને કહ્યું હતું કે ‘’દુબઇ જેવા શહેરમાં માત્ર નોકરી કે ધંધાના આધારે ઘરની ખરીદી કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. પરંતુ ડેન્યુબ પ્રોપર્ટીઝ ઘર ખરીદવા માંગતા લોકો પાસેથી 6થી લઇને 7 વર્ષ માટે પ્રોપર્ટી વેલ્યુના પ્રતિ માસ માત્ર 1% લઇને ઘર સોંપે છે. જેના પર કોઇ વ્યાજ લેવાતું નથી. ગ્રાહકોને 3-4 વર્ષમાં મકાન મળી જાય પછી બાકીની રકમ 3-4 વર્ષમાં માત્ર વેલ્યુના 1% માસિક હપ્તો આપીને ભરે છે. અમારી કંપની સમયસર અને શેડ્યૂલ પહેલા પ્રોજેક્ટ્સ પ્રોજેક્ટ પૂર્ણ કરી ગ્રાહકોને સંતોષ આપવા માટે જાણીતી છે. અમારૂ દરેક ડેવલપમેન્ટ 40થી વધુ વર્લ્ડ ક્લાસ એમેનીટીઝ ધરાવે છે, જે દરેક રહેવાસીઓને સગવડદાયી જીવનશૈલીનો અનુભવ આપે છે.’’
મૂળ સૌરાષ્ટ્રના અને મુંબઇમાં ઉછરેલા સાજને કહ્યું હતું કે ‘’દુબઇના લોકોની જેમ લંડન અને ઇંગ્ડલેન્ડમાં વસતા લોકોને દુબઇમાં પ્રોપર્ટી રોકાણ કરીને નફો કરવા માટે પ્રેરણા આપવાનો મારો ઇરાદો છે. ભારતીયો અમારા સૌથી મોટા રોકાણકારો છે અને તે પછી યુકેના લોકો રોકાણ કરે છે. યુકેમાં લક્ઝરી પ્રોપર્ટીની વધતી જતી માંગે અમને અહિં નવી ઓફિસની સ્થાપના માટે પ્રેરણા આપી છે. યુકે અમારા ટોચના પાંચ બજારોમાંનું એક છે અને અમને વિશ્વાસ છે કે અમારી ઓફરો રોકાણ માટે વૈભવી ઘરો શોધતા ગ્રાહકોને પસંદ આવશે અને દુબઈમાં પ્રીમિયમ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા લોકો માટે નવી તકો ખોલશે. અમે યુકે માર્કેટમાં અમારી હાજરીને વધુ સઘન બનાવવા માટે આતુર છીએ. અમે UKના ગ્રાહકોને વેચાણ અને ગેટવે તરીકે સેવા આપવા ઉપરાંત વર્તમાન અને આગામી બંને પ્રોજેક્ટ્સ માટે પ્રોપર્ટી વિષેનું માર્ગદર્શન, મદદ અને ગ્રાહક સેવા સહિતની સેવાઓ આપીશું.”
વૈશ્વિક સ્તરે 75 ઓફિસો ધરાવતા ડેન્યુબ ગ્રૂપના શ્રી સાજને કહ્યું હતું કે ‘’જો કોઇ વ્યક્તિ £4,00,000ની મિલ્કત ખરીદવા હાલ £100,000 કરતા વધુ રકમનું રોકાણ UAEમાં કરે છે તો તે પરિવારને 10 વર્ષના રીન્યુએબલ ગોલ્ડન વિઝા મળે છે. જેના દ્વારા તેઓ દુબઇમાં કોઇ પણ ભાગીદાર વગર નોકરી ધંધો કરી શકે છે. પ્રોપર્ટી ખરીદવા UAEમાં બુકિંગ સમયે 4 ટકા રજીસ્ટ્રેશન ટેક્સ આપવો પડે છે તે પછી તમે ભાડાની આવક મેળવો કે મકાન વેચીને વધુ કમાણી કરો, કોઇ ટેક્સ કે કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નથી. વળી પ્રોપર્ટી આસાનીથી વેચી શકાય છે અને નફો પણ મળે છે. ગ્રાહકોને તૈયાર પ્રોપર્ટી પર લોન પણ મળી રહે છે. પ્રતિ વર્ષ ભાડા પેટે પ્રોપર્ટી વેલ્યુઝના 8થી 10 ટકા રીટર્ન મળે છે.’’