. (PTI Photo/Swapan Mahapatra)

“મૃગયા”, “સુરક્ષા”, “ડિસ્કો ડાન્સર” અને “ડાન્સ ડાન્સ” જેવી ફિલ્મોના પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્ર માટેના સરકારના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે. 8 ઓક્ટોબર, 2024એ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મિથુન ચક્રવર્તીનું આ એવોર્ડથી સન્માન કરાશે.

મિથુન ચક્રવર્તીને ભારત સરકાર દ્વારા ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણ એનાયત કરાયાના મહિનાઓ બાદ આ જાહેરાત કરાઈ હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે X પર આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે “મિથુન દાની નોંધપાત્ર સિનેમેટિક સફર પેઢીઓને પ્રેરણા આપે છે! દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તી જીને ભારતીય સિનેમામાં તેમના પ્રતિષ્ઠિત યોગદાન માટે પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે.”
દાદા સાહેબ ફાળકે પુરસ્કારની જાહેરાત વિશે તેમના પુત્ર નમાશી ચક્રવર્તીએ જણાવ્યું હતું કે 74 વર્ષીય મિથુન ચક્રવર્તી ખૂબ જ ખુશ છે. અમે બધા ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છીએ. તેઓ કોલકાતામાં છે, મેં હમણાં જ તેની સાથે વાતચીત કરી હતી.

મિથુન ચક્રવર્તી સાચું નામ ગૌરાંગ ચક્રવર્તી છે. તેઓ પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જેમણે મુખ્યત્વે હિન્દી અને બંગાળી સિનેમામાં કામ કર્યું છે.

તેમણે મૃણાલ સેનની 1976માં આવેલી ફિલ્મ “મૃગયા”થી અભિનયની શરૂઆત કરી હતી, જેના માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. તેમણે 1992ના “તહાદર કથા” (શ્રેષ્ઠ અભિનેતા) અને 1998ના “સ્વામી વિવેકાનંદ” (શ્રેષ્ઠ સહાયક અભિનેતા) માટે વધુ બે રાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા હતાં.

મિથુન ચક્રવર્તીએ 1982ની સુપરહિટ “ડિસ્કો ડાન્સર”માં તેમની વિશિષ્ટ નૃત્ય શૈલીથી સ્ટારડમ મેળવ્યો હતો. “આઈ એમ એ ડિસ્કો ડાન્સર” અને “યાદ આ રહા હૈ” જેવા ચાર્ટબસ્ટર ગીતો દ્વારા ભારતમાં ડિસ્કો ડાન્સિંગના યુગની શરૂઆત થઈ હતી. તેમણે “મુઝે ઈન્સાફ ચાહિયે”, “હમ સે હૈ જમાના”, “પસંદ અપની અપની”, “ઘર એક મંદિર”, “કસમ પેદા કરને વાલે કી” અને “કમાન્ડો” જેવી ઘણી હિટ ફિલ્મો આપી હતી.

રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય મિથુન ચક્રવર્તી 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતાં.

LEAVE A REPLY