ઓલિમ્પિક્સ રમતોત્સવમાં 128 વર્ષના સમયગાળા પછી ક્રિકેટની વાપસી થશે. 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં મહિલા અને પુરુષો બંનેની છ- છ ટીમો મેદાનમાં ઉતરશે. છેલ્લે ૧૯૦૦માં પેરિસમાં યોજાયેલા ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થયો હતો.
લોસ એન્જેલસ 2028માં, ક્રિકેટ T20 ફોર્મેટમાં રમાશે, જેમાં પુરુષો અને મહિલાની ટીમો સામેલ થશે. દરેક ટીમ 15 સભ્યોની ટીમ રાખી શકશે. ૨૦૨૮ ગેમ્સની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ક્વોલિફિકેશન માપદંડ હજુ સુધી નક્કી થયા નથી, પરંતુ યજમાન રાષ્ટ્ર તરીકે યુએસએની ટીમને સીધું સ્થાન મેળે તેવી શક્યતા છે. આનો અર્થ એવો થાય છે કે બાકીની પાંચ ટીમો નક્કી કરવાની રહેશે.
આગામી ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ પાંચ નવી રમતોમાંની એક છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)એ 2023માં LA28માં બેઝબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ અને સ્ક્વોશ સાથે ક્રિકેટના સમાવેશને મંજૂરી આપી છે.
