2028માં જ્યારે લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં યોજાશે ત્યારે ભારતમાંથી ચાહકોને આકર્ષવા માટે ન્યૂયોર્કમાં ક્રિકેટનું આયોજન કરવામાં આવે તેવી સંભાવના છે.
1900 પછી પ્રથમવાર ઓલિમ્પિકમાં પુરૂષો અને મહિલાઓ માટેની ટી-ટ્વેન્ટી ક્રિકેટ સ્પર્ધા જોવા મળશે. જોકે, આ રમત કેવા પ્રકારની હશે તે હજુ નક્કી કરવાનું બાકી છે, પરંતુ તેમાં આઠ દેશો ભાગ લેશે અને ચાર-ચારના બે જૂથમાં સેમિફાઇનલ અને ફાઇનલ તેમ જ બ્રોન્ઝ-મેડલ પ્લે-ઓફ માટે મેચ યોજાય તેવી સંભાવના છે.
જોકે, બે અઠવાડિયાની આ ટુર્નામેન્ટ લોસ એન્જલસને બદલે અમેરિકાના પૂર્વ કિનારે રમાશે. LA 2028 ઓર્ગેનાઇઝિંગ કમિટીના ચેરમેન કેસી વાસરમેને તાજેતરમાં ટેક્સાસ ખાતે એક કોન્ફરન્સમાં પુષ્ટિ કરી હતી કે, ઓલિમ્પિકમાં ભારતીય ટેલીવિઝન દર્શકોને ધ્યાનમાં રાખીને ક્રિકેટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પૂર્વીય કિનારાના વિસ્તારનો સમય ભારતીય પ્રસારણ માટે ઘણો અનુકૂળ છે, જેમાં ભારત ન્યૂયોર્ક કરતા 9.30 કલાક અને લોસ એન્જેલસ કરતાં 12.30 કલાક આગળ છે. જોકે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ અંગે જણાવ્યું હતું કે, ઓલિમ્પિક બાબતે હજુ સુધી કોઈ અધિકૃત નિર્ણય લેવામાં આવ્યો નથી. LA 2028 ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ કરવા પાછળનું એક કારણ એ પણ છે કે, એશિયન ઉપખંડમાં નવા દર્શકોને જોડવાનો પ્રયત્ન કરવાનો છે અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) દ્વારા ગત ઓલિમ્પિક ગેમ્સ કરતાં વધુ બ્રોડકાસ્ટ ડીલ કરવાનો છે.