યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ જજ પેટ્રિશિયા ટોલિવર ગિલ્સે 20 માર્ચે એક ચુકાદો આપી જ્યોર્જટાઉન યુનિવર્સિટીના એક ભારતીય વિદ્યાર્થીના દેશનિકાલ પર સ્ટે મૂક્યો હતો. જજે જણાવ્યું હતું કે જ્યાં સુધી કોર્ટ વિરુદ્ધ આદેશ ન આપે ત્યાં સુધી અરજદારને અમેરિકામાંથી દૂર કરાશે નહીં.
પોસ્ટ-ડોક્ટરલ ફેલો બદર ખાન સુરીની સોમવારે રાત્રે વર્જિનિયામાં તેમના ઘરની બહાર નકાબપોશ એજન્ટોએ ધરપકડ કરી હતી. એજન્ટોએ પોતાને હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું હતું અને તેમને કહ્યું હતું કે સરકારે તેમના વિઝા રદ કરી દીધા છે. સુરી પર હમાસનો પ્રચાર ફેલાવવાનો આરોપ છે. તેમના જાણીતા અથવા શંકાસ્પદ આતંકવાદી સાથે ગાઢ સંબંધો હોવાનું કહેવાય છે.
અમેરિકાના વિદેશ વિભાગે આ વિદ્યાર્થીના દેશનિકાલનો આદેશ આપ્યો હતો. સુરીના વકીલ હસન અહમદે 18 માર્ચે હેબિયસ કોર્પસ રિટ માટે અરજી દાખલ કરી હતી. અરજી અનુસાર, ગૃહ સુરક્ષા વિભાગે 17 માર્ચે સુરીની ધરપકડ કરી હતી અને “દૂર કરવા”નો આરોપ લગાવ્યો હતો. સુરીએ આરોપ લગાવ્યો હતો કે તેમને વર્જિનિયાના ફાર્મવિલે સ્થિત ફાર્મવિલે ડિટેન્શન સેન્ટરમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતાં
હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના સહાયક સચિવ, ટ્રિશિયા મેકલોફલિને X પર લખ્યું હતું કે સુરી જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં ફોરેન એક્સ્ચેન્જ પ્રોગ્રામ હેઠળનો વિદ્યાર્થી છે અને સોશિયલ મીડિયા પર હમાસનો પ્રચાર અને યહૂદી-વિરોધને સક્રિયપણે પ્રોત્સાહન આપે છે.
જ્યોર્જટાઉનના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડૉ. ખાન સુરી એક ભારતીય નાગરિક છે જેમને ઇરાક અને અફઘાનિસ્તાનમાં શાંતિ નિર્માણ પર ડોક્ટરલ સંશોધન ચાલુ રાખવા માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવા માટે વિઝા આપવામાં આવ્યો હતો.
સુરીએ 2020માં નેલ્સન મંડેલા સેન્ટર ફોર પીસ એન્ડ કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન, જામિયા મિલિયા ઇસ્લામિયા, નવી દિલ્હીમાંથી શાંતિ અને સંઘર્ષ અભ્યાસમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી.
અગાઉ કોલંબિયા યુનિવર્સિટીમાં શહેરી આયોજનમાં ડોક્ટરલ ડિગ્રી મેળવી રહેલા ૩૭ વર્ષીય ભારતીય વિદ્યાર્થી રંજની શ્રીનિવાસનને ગયા સપ્તાહે સ્ટુડન્ડ વિઝા રદ કરાયા હતાં.
